Western Times News

Gujarati News

સુરતની બે સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળીઃ શાળા ખાલી કરાવાઈ

[email protected] પરથી બંને શાળાઓને ધમકીભર્યા ઈમેલ આવ્યા
પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના પહોંચ્યોઃ બોમ્બ અને ડોગ સ્કવોર્ડ દ્વારા સઘન તપાસ -સંચાલકો દ્વારા શાળામાં રજા જાહેર કરતાં વાલીઓ ગભરાટ સાથે વિદ્યાર્થીઓને લેવા પહોંચ્યા

બંને શાળાનાં શિક્ષકો સહિત સ્ટાફને પણ બહાર કાઢવામાં આવ્યા
લાન્સર આર્મી અને ડીજી ગોએન્કા સ્કુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ શાળાનાં સંચાલકો દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું અને વાલીઓને આ ઘટના અંગે જાણ કરવાની સાથે જ વિદ્યાર્થીઓને લઈ જવા માટે સુચના આપી દેવામાં આવી હતી.

બીજી તરફ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા શાળાઓમાં તપાસનાં ધમધમાટ વચ્ચે સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરાવતાં શિક્ષકો સહિત અન્ય સ્ટાફને પણ શાળાની બહાર જવા માટે સુચના આપવામાં આવી હતી. જો કે, બપોર સુધી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન બંને શાળાઓમાંથી કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ મળી ન હોવાનું જાણવા મળ્યું છે.

(પ્રતિનિધિ) સુરત, રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરત શહેરમાં બે ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. જીડી ગોએન્કા અને લાન્સર આર્મી શાળામાં ઈ-મેલ દ્વારા મળેલી ધમકીને પગલે પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. હાલમાં પોલીસ ઉચ્ચાધિકારીઓ સહિત ડોગ સ્કવોડ સહિતની ટીમો દ્વારા બંને શાળાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ શાળાના સંચાલકો દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક વાલીઓને જાણ કરીને વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા. બંને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનાં સમાચાર સમગ્ર શહેરમાં વાયુ વેગે પ્રસરી જતાં એક તરફ હોબાળો મચી જવા પામ્યો હતો ત્યારે પોલીસ દ્વારા બંને શાળાઓને પાઠવવામાં આવેલા ઈ-મેલનાં આધારે આરોપીઓ સુધી પહોંચાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

શહેરનાં વેસુ ખાતે આવેલ અને શહેરનાં ધનાઢ્ય પરિવારોના બાળકો જ્યાં અભ્યાસ કરે છે તે જીડી ગોએન્કા અને લાન્સર આર્મી શાળામાં આજે સવારે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. આ દરમિયાન શાળાનાં સંચાલકોને શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે ઈ-મેલ પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો તે મેસેજ અંગે શાળાનાં સંચાલકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ શાળાએ ઘસી ગયો હતો.

અગાઉ પણ રાજ્યમાં વડોદરા અને અમદાવાદ ખાતે આવેલ ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી. ડાર્ક વેબ પરથી અસામાજીક તત્વો દ્વારા શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હાલમાં પોલીસ તંત્ર માટે સિરદર્દ બની ચુકી છે ત્યારે પહેલી વખત સુરત શહેરમાં પણ જીડી ગોએન્કા અને લાન્સર આર્મી શાળાને આ પ્રકારની જ મોડસ ઓપરેન્ડી દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

આ સ્થિતિમાં હાલમાં પોલીસનાં ઉચ્ચાધિકારીઓ અને ડોગ સ્કવોડ સહિતની અલગ – અલગ ટીમો દ્વારા બંને શાળાઓમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ શાળાનાં સંચાલકો વિદ્યાર્થીઓનાં જીવનાં જોખમને ધ્યાને રાખીને તાત્કાલિક વાલીઓને જાણ કરીને શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. જેને પગલે વાલીઓમાં પણ પ્રકારની ધમકીને પગલે ડરનો માહોલ પ્રસરી ગયો હતો.

મોટી સંખ્યામાં વાલીઓ પણ તાત્કાલિક બંને શાળાઓમાં ઘસી ગયા હતા અને આનન ફાનનમાં વિદ્યાર્થીઓને પરત લઈ જવા માટે નજરે પડ્યા હતા. અલબત્ત, પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ ખાસ તકેદારી રાખી હતી અને બંને શાળાઓનાં મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દેશની 159 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાઃ વિજય સિંહ ગુર્જર
શહેરની જીડી ગોએન્કા અને લાન્સર આર્મી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો. બંને શાળાઓમાં હાલમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે

ત્યારે તપાસમાં જોતરાયેલા ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, જે ઈમેલ પરથી બંને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેના આધારે હાલમાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ દેશનાં અલગ – અલગ શહેરોમાં 159 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને પગલે શહેરની સાયબર સેલ દ્વારા તપાસનો ધમધમાટ
અમદાવાદ અને વડોદરામાં ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ બાદ હવે સુરત શહેરમાં પણ આ પ્રકારની ઘટનાને પગલે શૈક્ષણિક જગતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. અલબત્ત, બંને શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે વાલીઓમાં પણ ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. હાલમાં સુરત શહેર પોલીસની સાથે – સાથે સાયબર સેલનાં અધિકારીઓ પણ તપાસમાં જોતરાયા છે.

જો કે, ધમકીભર્યા ઈ-મેલ ડાર્ક વેબ પરથી કરવામાં આવતાં હોવાની શક્યતાઓને પગલે મોટા ભાગનાં કિસ્સાઓમાં આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને ભારે પરસેવો પાડવો પડતો હોય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.