Western Times News

Gujarati News

સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરોને મળશે રક્ષાબંધન પહેલાં સારા સમાચાર

નવી દિલ્‍હી, રક્ષાબંધન પહેલા કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરો માટે એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. અહેવાલો મુજબ કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરોને વર્તમાન સાતમા પગાર પંચ હેઠળ ઓછામાં ઓછો એક વધુ DA (મોંઘવારી ભથ્‍થું) મળી શકે છે.

હવે જો આપણે ફુગાવાના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ ૨૦૨૫માં કેન્‍દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થામાં ૩ થી ૪ ટકાનો વધારો થવાની સંભાવના છે. આનાથી દેશના કરોડો કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને રાહત મળશે. સામાન્‍ય રીતે મોંઘવારી ભથ્‍થામાં વધારો વર્ષમાં બે વાર ફેબ્રુઆરી-માર્ચ અને સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં જાહેર કરવામાં આવે છે જે અનુક્રમે જાન્‍યુઆરી અને જુલાઈથી લાગુ કરવામાં આવે છે.

આનાથી કર્મચારીઓને વધતી જતી ફુગાવાનો સામનો કરવામાં મદદ મળે છે. આ વર્ષે માર્ચમાં ૨ ટકાના વધારા સાથે વર્તમાન મોંઘવારી ભથ્‍થાનો દર ૫૫ ટકા થયો છે. સરકારી કર્મચારીઓને DA આપવામાં આવે છે જ્‍યારે પેન્‍શનરોને DR આપવામાં આવે છે. કામદારો માટે મોંઘવારી ભથ્‍થું ઓલ ઈન્‍ડિયા કન્‍ઝ્‍યુમર પ્રાઇસ ઇન્‍ડેક્‍સ ફોર ઇન્‍ડસ્‍ટ્રિયલ વર્કર્સના આધારે ગણવામાં આવે છે.

AICPI-IW ઇન્‍ડેક્‍સ દેશના ૮૮ ઔદ્યોગિક કેન્‍દ્રોમાં ૩૧૭ બજારોમાંથી એકત્રિત કરાયેલા છૂટક ભાવોના આધારે બહાર પાડવામાં આવે છે. દર મહિને શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જોડાયેલ લેબર બ્‍યુરો કામદારો માટે ફુગાવો કેટલો વધ્‍યો છે કે ઘટયો છે તેની માહિતી આપે છે અને પછી તેના આધારે મોંઘવારી ભથ્‍થું કેટલું વધારવું જોઈએ તે નક્કી કરવામાં આવે છે. વિગતો મુજબ માર્ચ ૨૦૨૫માં ફુગાવાનો મીટર AICPI-IW ૧૪૩ પર હતો જે મે સુધીમાં વધીને ૧૪૪ થઈ ગયો.

આ મુજબ મોંઘવારી ભથ્‍થું ત્રણથી ચાર ટકા વધી શકે છે. સરકાર છેલ્લા ૧૨ મહિનાના CPI-IW ડેટાના સરેરાશ અને ૭મા પગાર પંચ હેઠળ આપેલા ફોર્મ્‍યુલાના આધારે DA ની ગણતરી કરે છે. મોંઘવારી ભથ્‍થું (%) = (૧િ૨-મહિનાનો સરેરાશ CPI-IW – 261.42) ÷ 261.42] × 100 અહીં ૨૬૧.૪૨ એ ૭મા પગાર પંચ હેઠળ ધ્‍યાનમાં લેવાયેલ સમય આધાર છે.

આ તરફ મે ૨૦૨૫ માટે CPI-IW ડેટા હજુ સુધી સંપૂર્ણ રીતે બહાર પાડવામાં આવ્‍યો નથી પરંતુ ફુગાવાના નવા વલણ પરથી એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. શ્રમ મંત્રાલય અનુસાર કળષિ અને ગ્રામીણ કામદારો માટે છૂટક ફુગાવો મે ૨૦૨૫ માં અનુક્રમે ૨.૮૪ ટકા અને ૨.૯૭ ટકા થયો, જે એપ્રિલમાં ૩.૫ ટકા હતો. CPI-AL અને CPI-RL બંને નજીવા ઘટાડા સાથે ૧૩૦૫ અને ૧૩૧૯ પોઈન્‍ટ પર પહોંચ્‍યા, જે ગ્રામીણ ફુગાવામાં ઘટાડો દર્શાવે છે.

અહીં એ પણ ખાસ નોંધનીય છે કે, મોંઘવારી ભથ્‍થાની ગણતરી માટે CPI-AL અને CPI-RLનો સીધો ઉપયોગ થતો નથી પરંતુ તે વ્‍યાપક ફુગાવાના વલણો દર્શાવે છે જે CPI-IW માં પણ પ્રતિબિંબિત થઈ શકે છે. જો આગામી મહિનાઓમાં CPI-IW સ્‍થિર રહે છે અથવા થોડો વધે છે તો સરકાર મોંઘવારી ભથ્‍થામાં ૩-૪ ટકાનો વધારો મંજૂર કરી શકે છે. જેનાથી મોંઘવારી ભથ્‍થું ૫૮ ટકા અથવા ૫૯ ટકા થઈ જશે. જૂન ૨૦૨૫ માટે CPI-IW ડેટા જાહેર થયા પછી જ અંતિમ વધારો જાણી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.