સોશિયલ મિડીયા પર પોસ્ટ વાયરલ થઈ અને GSRTCના ડેપો મેનેજર સસ્પેન્ડ થયા

પ્રતિકાત્મક
ધ્રોલ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર વિભાગના ધ્રોલ ડેપો ખાતે ડેપો મેનેજર-“બી” તરીકે ફરજ બજાવતા રફીકભાઈ એ. શેખને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે સર્વિસ રેગ્યુલેશન કલમ નં. ૮૦ તથા ૮૨ અન્વયે કાર્યવાહી કરવામાં આવી છે.
આદેશ મુજબ, રફીકભાઈ શેખને સસ્પેન્શન પિરિયડ દરમિયાન ડેપો મેનેજર “એ” એસ.ટી. ડેપો, જામજોધપુર ખાતે હાજર રહેવા અને નિર્વાહ ભથ્થા પેટે ૫૦% પગાર ચૂકવવાનો રહેશે. ગુનાની વિગત: બેદરકારી અને સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ આ સસ્પેન્શનનો મુખ્ય કારણ તા. ૧૮-૦૭-૨૦૨૫ ના રોજ બનેલી એક ગંભીર ઘટના છે. તે દિવસે, દ્વારકા કેન્દ્રના વાહન નંબર GJ 18 Z 6996, જે દ્વારકા-રાજકોટ રૂટ પર ફરજ પર હતું,
તેના ડાબી બાજુ પાછળના ભાગમાં અંદરનું ટાયર બ્લાસ્ટ થયું હતું. આ બ્લાસ્ટના કારણે બસનું અંદરનું પતરું પણ તૂટી ગયું હતું. ફરજ પરના ડ્રાઇવરે ધ્રોલ ડેપો વર્કશોપ ખાતે રફીકભાઈ શેખની હાજરીમાં વાહનનું રીપેરીંગ કરી આપવા માટે જણાવ્યું હોવા છતાં, ડેપોના જવાબદાર મેનેજર તરીકે તેમણે વાહન તાત્કાલિક રીપેરીંગ કરવા અંગે કોઈપણ પ્રકારની તકેદારી લીધી નહોતી.
પ્રવાસી મુસાફરોની સલામતી સંપૂર્ણ જોખમાય તે રીતે ગંભીર ખામીયુક્ત વાહન જ ફરજ પરના ડ્રાઈવરને, કોઈપણ જાતની ડેપો મેનેજર તરીકેની ફરજ પરની તકેદારી દાખવ્યા વગર, રૂટ પૂર્ણ કરવા માટે આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત વાહનની ગંભીર પ્રકારની બેદરકારીની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતાં નિગમની પ્રતિષ્ઠાને બિનજરૂરી અને ગંભીર પ્રકારની હાની પહોંચી હતી, જેના માટે રફીકભાઈ એ. શેખ જવાબદાર જણાયા છે.
સસ્પેન્શન દરમિયાન નિયમો રફીકભાઈ એ. શેખ, ડેપો મેનેજર–“બી”ને સસ્પેન્શન પિરિયડ દરમિયાન સર્વિસ રેગ્યુલેશન કલમ નં. ૮૦ તથા ૮૨ અન્વયે નિયમોનુસાર ૫૦% પગાર નિર્વાહ ભથ્થા પેટે ચૂકવવામાં આવશે.
તેમણે નિયમિત રીતે ડેપો મેનેજર “એ” એસ.ટી. ડેપો, જામજોધપુર સમક્ષ દરરોજ સવારે ૦૯:૦૦ થી સાંજે ૧૭:૩૦ કલાક સુધી હાજરી આપવાની રહેશે. તેમજ, ડેપો મેનેજર, એસ.ટી. ડેપો, જામજોધપુરની પૂર્વ મંજૂરી વગર તેઓ હેડ ક્વાર્ટર છોડી શકશે નહીં. આ કાર્યવાહી નિગમ દ્વારા જવાબદારી અને સલામતી પ્રત્યે ગંભીરતા દર્શાવે છે.