ઈંગોલી પ્રાથમિક શાળામાં ‘બેગલેસ ડે’ અંતર્ગત ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું

વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગની આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું એ અંગે માહિતગાર કરવામાં આવ્યા
ધોળકા તાલુકાની ઈંગોલી પ્રાથમિક શાળામાં ‘બેગલેસ ડે’ અંતર્ગત ફાયર મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં સલામત રહેવા અને યોગ્ય પ્રતિભાવ આપવા માટે જાગૃત કરવાનો આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
શાળામાં ફાયર મોકડ્રીલ દરમિયાન નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગની આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું એ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આગની ઘટનાનું અનુકરણ: શાળાના એક ભાગમાં આગ લાગી હોવાનું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું, જેથી વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ થઈ શકે.
તાત્કાલિક ખાલી કરાવવું: આગની સૂચના મળતા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુરક્ષિત રીતે વર્ગખંડોમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાનું નિદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ઈમરજન્સી એક્ઝિટ રૂટ અને સુરક્ષિત ભેગા થવાના સ્થળ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
અગ્નિશામક યંત્રનો ઉપયોગ: શાળામાં લગાવેલ અગ્નિશામક યંત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું. શાળાના શિક્ષકો, મધ્યાહન ભોજન કર્મચારીઓને તેની તાલીમ પણ આપવામાં આવી.
પ્રાથમિક સારવાર : ઈમરજન્સીની સ્થિતિમાં ઘાયલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના આયોજનોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ ભવિષ્યમાં કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે વધુ સજ્જ બને છે.