Western Times News

Gujarati News

છેલ્લા 6 વર્ષથી બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન વિના ધમધમતું નારોલ બિઝનેસ હબને AMCએ સીલ કર્યું

“ખોટા કામ કરો અને નજીવી પેનલ્ટી” ભરીને જલસા કરો જેવા નિયમનો અમલ AMCના દક્ષીણ ઝોનના ડે.એસ્ટેટ ઓફીસર કરી રહયા હતા.

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, નારોલમાં આવેલા એક બિઝનેસ હબ સેન્ટર પર છેલ્લા 6 વર્ષથી બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન વગર વપરાશ ચાલી રહ્યો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ કડક પગલાં ભરતાં આ બિઝનેસ હબને સીલ કરી દીધો છે.

આ બિઝનેસ હબ સામે અગાઉથી પણ અનેક વખત વિવાદ ઉભા થયા હતા અને બિલ્ડર વિરુદ્ધ કોર્ટ કેસ પણ ચાલ્યો હતો. બિલ્ડર જમીનના કાયદાકીય મુદ્દાઓમાં ફસાયો હતો અને અંતે કોર્ટના આદેશ બાદ AMCએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી.

વર્ષ 2018માં આ મામલે વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકમાં આ અંગે સ્ટોરી લખવામાં આવી હતી, પણ ત્યારે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. એક થર્ડ પાર્ટીએ કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં કોર્ટના આદેશ બાદ AMCને કાર્યવાહી કરવી પડી છે..

AMCના અધિકારીઓએ જણાવ્યું છે કે BU પરમિશન વગર ચાલતા અન્ય સંકુલો સામે પણ આવનાર સમયમાં કડક કાર્યવાહી થશે. આ પગલાંના કારણે શહેરના કેટલાક વેપારી વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે હજુ પણ કેટલાક બિઝનેસ સંકુલો આવીજ રીતે પરમિશન વગર ચાલી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકમાં તા. 10-12-2018 સોમવારના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર અમદાવાદ શહેરમાંથી કદાચ ગંદકીનું પ્રમાણ ઓછુ થઈ જશે પરંતુ અનઅધિકૃત બાંધકામોમાં ઘટાડો થાય તેવા કોઈ જ અણસાર જોવા મળતી નથી. જેનું મુખ્ય કારણ વહીવટીતંત્રના વડા બને શાસકપાર્ટીની નિષ્ક્રિયતા છે. મ્યુનિ. હોદેદારો અને કમીશ્નર છેલ્લા ત્રણ મહીનાથી સફાઈ માટે ઝુંબેશ ચલાવી રહયા છે.

પરંતુ મનપાના કમીશ્નર ને ગેરકાયદેસર બાંધકામો સામે ઝૂંબેશ શરૂ કરવામાં કોઈ જ રસ હોયતેમ લાગી રહ્યું નથી. શહેરના જાહેરમાર્ગ પર પ૦ ગ્રામ કચરો ફેકનાર ને રૂ.પાંચ હજારનો દંડ કરવામાં આવે છે. જયારે પ૦ ચો.મી. જગ્યામાં પાંચ માળનું બિલ્ડીંગ કરનાર સામે કોઈ પગલા લેવામાં આવતા નથી. જેના પરીણામે ખોટા બાંધકામ કરનાર અને તેમને સહકાર આપનાર અધિકારીઓને મોકળા મેદાન મળી ગયા છે. જેના પરિણામે જ ખેતીલાયક જમીન પર પ્લાન મંજૂર થઈ રહયા છે.

તથા બી.યુ. પરમીશન વિના જ વપરાશ શરૂ થાય છે. નારોલ સર્કલ પાસે બની ગયેલ “બીઝનેસ પોઈન્ટ” નામના બિલ્ડીંગની વાસ્તવીક હકીકત આવી જ છે. શહેરના નારોલ સર્કલ વિસ્તારમાં “બીઝનેસ પોઈન્ટ” (ઈલે વોર્ડ બહેરામપુરા) નામ થી બિલ્ડીગ તૈયાર થઈ ગયું છે. જેના રપ૦ કરતા વધારે દુકાનો અને ઓફીસ બનાવામાં આવ્યા છે.

સદર બિલ્ડીંગ જે જમીન પર બનાવવામાં આવ્યું છે તે જમીન “ખેતીલાયક” છે. તેથી નિયમ મુજબ તેના પર બાંધકામ થઈ શકે નહીં તેમજ પ્લાન પણ મંજૂર થઈ શકે નહી. તેમ છતાં કોર્પોરેશનના બીલ્ડીગ પ્લાન સ્કુટીની વિભાગ દ્વારા ખેતીલાયક જમીન પર બાંધકામ કરવા માટે મંજુરી આપવામાં આવી છે. બીલ્ડીંગ પ્લાન સ્કુટીની વિભાગના અધિકારીએ જણાવ્યા મુજબ ૧૯૭૮ ના હકકપત્ર ને જ એન.એ. માની ને પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. જયારે સદ્દર જમીન પર પ્લાન મંજૂર કરવા મામલે જમીન ના જ અન્ય એક હિસ્સેદારે કલેકટર કચેરીમાં આરટીઆઈ કરી હતી.

જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે સદર નારોલ બિઝનેસ પોઈન્ટઃ એન.એ.ના વિવાદ વચ્ચે વપરાશ શરૂ કૌભાંડોની પરંપરા પ્લાન સ્કુટીની વિભાગ ના વડા જમીનનો અભિપ્રાય લેવામાં નાનમ અનુભવે છે જમીન ખેતીલાયક છે. તથા તેને “બિનખેતી” જાહેર કરવામાં આવી નથી. મ્યુનિ પ્લાનસ્કુટીની ખાતાને કલેકટર કચેરીના પત્રની દરકાર નથી.

વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યા મુજબ “ખેતીલાયક જમીન” અંગેન નો પત્ર વ્યવહાર મામલતદાર કચેરી અને આરટીઆઈ કરનાર વ્યકિત વચ્ચે થયો છે. કલેકટર કચેરી દ્વારા કોર્પોરેશને આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. બિઝનેસ પોઈન્ટ ના પ્લાન મંજૂર કરવામાં ભુલ થઈ હોય તો કલકેટર કચેરીનો અભિપ્રાય શા માટે લેવામાં આવતો નથી ? તેવા સવાલ ના જવાબમાં કોર્પોરેશન દ્વારા સામેથી અભિપ્રાય માટે પત્ર લખવામાં આવતા નથી.

તેવો વિચિત્ર જવાબ પ્લાન સ્કુટીની ખાતાના અધિકારીએ આપ્યો હતો. ખેતીલાયક કે બિનખેતી મામલે ભુલ થઈ હોય તો તેને સુધારવાના બદલે ઢાંકપિછોડો કરવા કે બંધ બારણે ગોઠવણ કરવા માટેની પ્રક્રિયા થઈ રહી હોય તેવા સીધા આક્ષેપ થઈ રહયા છે. જાણકારોના મંતવ્ય મુજબ પ્લાન સ્કુટીની ખાતાના અધિકારીઓને ખબર છે કે“બિઝનેસ પોઈન્ટ” ના પ્લાન ખેતીલાયક જમીન પર મંજૂર કરવામાં આવ્યા છે.

તથા સમગ્ર ગેરરીતિ બહાર આવતા બિલ્ડરને એન.એ.ની નકલ જમા કરાવવા માટે બે મહીના અગાઉ પત્ર પણ લખ્યો હતો. પરંતુ બંને ભીનું સંકેલાઈ જાય તેમાં તમામને રસ હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે. નારોલ સર્કલ પાસે તૈયાર થયેલ “બિઝનેસ પોઈન્ટ” નામના બિલ્ડીંગમાં પ્લાન સ્કુટીની વિભાગે જે ગેરરીતિ કે ભુલ કરી છે. તેને ઝોનના અધિકારીઓ આગળ વધારી રહયા છે. બિઝનેસ પોઈન્ટ ના પ્લાન મંજુરી સમયે બિલ્ડર દ્વારા બોન્ડ આપવામાં આવ્યા હતા.

જેમાં બી.યુ. પરમીશન અંગે અરજી કરતા પહેલા માર્જિન માં થયેલ ૪પ ચો.મી.ના દબાણ દુર કરવાની બાંહેધરી આપવામાં આવી છે. સદર ૪પ ચો.મી. જમીન પરના કબજેદારે ઈમ્પેકટ અંતર્ગત તેમના બાંધકામને મંજૂર કરાવ્યું છે. તથા બીઝનેસ પોઈન્ટનું બાંધકામ જે જમીન પર કરવામાં આવ્યું છે. તેને “બિનખેતી” જાહેર કરવામાં ના આવે તે માટે કાયદેસર લડત ચલાવી રહયા છે. આવા સંજોગોમાં માર્જિન ની ૪પ ચો.મી. જમીન ખુલ્લી થાય તેવી શકયતા નહીવત છે.

તેથી બી.યુ. પરમીશન મળે તેવા કોઈ શકયતા નથી. તેથી બિલ્ડરે ઝોનના ઉચ્ચ અધિકારી સાથે ગોઠવણ કરી ને વેચેલા માલ નો વપરાશ શરૂ કરાવ્યો છે. તથા બીઝનેસ પોઈન્ટની દુકાનોનો ગેરકાગયદેસર વપરાશ શરૂ થઈ ગયો છે.

જે અંગે દક્ષીણઝોના ડે.એસ્ટેટ ઓફીસર નિલેશભાઈ બરંડાનો સંપર્ક કરતા તેમણે આ બાબતને ઘણી હળવાશથી લીધી હતી. તથા એન.એ. નો પ્રશ્ન પ્લાન સ્કુટીની વિભાગનો છે. તેવા જવાબ આપ્યા હતા. બી.યુ.વિના વપરાશ થયા હોવા મામલે પણ તેઓ બિલ્ડરની તરફેણમાં હોય તેમ લાગી રહયું હતું. તથા માર્જિનવાળી ૪પ ચો.મી. જમીનના કબજેદારસાથે બિલ્ડર સેટલમેન્ટ કરી લેશે ત્યાં સુધી વપરાશ થાય તેમાં વાંધો નથી.

તેમજ બહુ ઉહાપોહ થશે તો નિયમ મુજબ દંડ વસુલ કરવામાં આવશે તેવા અવ્યવસ્થિત હાવભાવ સાથે આપ્યા હતા દક્ષીણઝોન ના ડે. એસ્ટેટ ઓફીસર ના જવાબ પરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે મોટા પાયે ગોઠવણ કરીને બિલ્ડીંગ નો વપરાશ શરૂ કરવા માટે ગેરકાયદેસર પરવાનગી આપવામાં આવી છે.બિલ્ડર તેની શરતો પૂર્ણ કરી શકે તેમ ન હોય તો શરૂઆતથી ખોટા કામ થયા હોય તો તેને અટકાવવાના બદલે પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે.

“ખોટા કામ કરો અને નજીવી પેનલ્ટી” ભરીને જલસા કરોજેવા નિયમનો અમલ દક્ષીણ ઝોનના ડે.એસ્ટેટ ઓફીસર કરી રહયા છે. દુઃખદ બાબત એ છે કે મનપામાં પ્રમાણિક અધિકારી તરીકે જેમને માન આપવામાં આવે છે તે દક્ષીણઝોન ના ડે.મ્યુનિ.કમીશ્નર (ઈન્ચાર્જ) પરાગભાઈ શાહ પણ આ બાબતથી જાણકાર છે. પરંતુ અગમ્ય કારણોસર કોઈ જ કાર્યવાહી કરતા નથી.

ઈસનપુર (સાઉથ) ટી.પી.સ્કીમ નં.૬૩ સવ ર્નંબર રપપ ની ખેતીલાયક જમીન પર પ્લાનને મંજૂર કરવા અને બી.યુ.વિના વપરાશ કરવા સુધી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે. પ્લાન સ્કુટીની વિભાગ અને દક્ષીણઝોનના અધિકારીઓ આ મામલે આંતરીક પત્ર વ્યવહાર અને એક બીજી પર દોષારોપણી કરી રહયા છે.

પરંતુ જે ખોટું કામ થયું છે તેને સીલ કરવા પ્લાન રદ કરવા તેમજ વપરાશ બંધ કરાવવા માટે આ અધિકારીઓમાં નૈતિક હિંમત નથી તે સાબિત થઈ રહયું છે એકબીજા ને દોષીત સાબિત કરવાના બદલે પ્રજાહીતમાં કામ કરવામાં કોઈ ને રસ નથી ! જયારે બિલ્ડર ને આ બંને ખાતા ના અધિકારીઓ ઝઘડયા કરે તેમાં જ રસ છે. તેવી ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.