સેનાની તાકાત વધી: બોઇંગે ત્રણ અપાચે હેલિકોપ્ટર સોંપ્યાં

નવી દિલ્હી, અમેરિકન એરોસ્પેસ જાયન્ટ બોઇંગના એએચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટરના પહેલા જથ્થાની ડિલિવરી મળતાં ભારતીય સેનાની સંરક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત બની છે. અત્યાધુનિક કોમ્બેટ હેલિકોપ્ટર રાજસ્થાનના જોધપુરમાં તૈનાત કરવામાં આવશે, જે ભારતીય સેનાની વ્યૂહાત્મક શક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ સિદ્ધિને સંરક્ષણ ક્ષેત્રમાં ‘માઇલસ્ટોન’ માનવામાં આવી રહી છે, કારણ કે આ હેલિકોપ્ટર સેનાને યુદ્ધના મેદાનમાં અભૂતપૂર્વ તાકાત અને ચોકસાઈ પ્રદાન કરશે.ભારતીય સેનાને એટેક અપાચે હેલિકોપ્ટર મળવાથી તેની તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે. સેનાનું માનવું છે કે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ હેલિકોપ્ટર ભારતીય સેનાની કાર્યકારી ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.
હેલિકોપ્ટરની તૈનાતી આધુનિક લડાઇ કામગીરીમાં સેનાને ઝડપી, સચોટ અને શક્તિશાળી હવાઈ સહાય પૂરી પાડશે. એએચ-૬૪ઈ અપાચે વિશ્વના સૌથી અદ્યતન મલ્ટી-રોલ કોમ્બેટ હેલિકોપ્ટરમાંનું એક છે અને તે યુએસ સેના પણ ઉડાડે છે.
ભારતમાં અપાચે હેલિકોપ્ટરનું આગમન ફક્ત ફાયરપાવર પૂરતું મર્યાદિત નથી. તે પડોશી દેશો માટે પણ એક સંકેત છે. પાકિસ્તાન સરહદ નજીક આ હેલિકોપ્ટર તૈનાત કરીને ભારત સંવેદનશીલ વિસ્તારમાં તેની તાત્કાલિક પ્રતિક્રિયા ક્ષમતાને મજબૂત બનાવી રહ્યું છે.
મહત્વનું છે કે, ભારતને લગભગ રૂ. ૫૦૦૦ કરોડના સોદા હેઠળ છ અપાચે હેલિકોપ્ટર મળવાના હતા, પરંતુ સપ્લાયમાં વિલંબને કારણે ૧૬ મહિના રાહ જોવી પડી.
બાકીના ત્રણ હેલિકોપ્ટરની ડિલિવરી ૨૦૨૫ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એએચ-૬૪ઈ અપાચે એટેક હેલિકોપ્ટરના આગમનને ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ ‘મહત્વપૂર્ણ પગલું’ ગણાવ્યું છે.
આ અદ્યતન હેલિકોપ્ટર આર્મી એવિએશન વિંગની જેમાં ખાસ કરીને પડકારજનક વિસ્તારોમાં ઓપરેશનલ અસરકારકતામાં વધારો કરશે. અપાચે વિશ્વનું સૌથી અદ્યતન કોમ્બેટ હેલિકોપ્ટર છે.
અપાચે હેલિકોપ્ટરની સૌથી મોટી ખાસિયત તેની અદ્યતન સેન્સર સિસ્ટમ છે. અમેરિકન ડિફેન્સ જાયન્ટ બોઇંગે બનાવેલું આ હેલિકોપ્ટર આધુનિક કોમ્યુનિકેશન, નેવિગેશન, સેન્સર અને હથિયાર સિસ્ટમથી સજ્જ છે. તે પાઇલટ્સને દિવસ અને રાત્રિ બંને સ્થિતિમાં લક્ષ્યોને ઓળખવામાં અને હુમલો કરવામાં પણ મદદ કરે છે.
એટલું જ નહીં, તે વરસાદ, ધૂળ અથવા ધુમ્મસને કારણે નબળી દૃશ્યતામાં પણ હુમલો કરી શકે છે. આ હેલિકોપ્ટર એક મિનિટમાં ૧૨૮ ટાર્ગેટને ટ્રેક કરીને હુમલો કરવામાં સક્ષમ છે.SS1MS