ભૂજના બે સગીર મિત્રો ઘરેથી લાખો રૂપિયા ચોરી કરી ફરવા ઉપડ્યા

અમદાવાદ, ભૂજના બે સગીર મિત્રો ઘરેથી લાખો રૂપિયાના દાગીના, સોનાની લગડી અને લાખો રૂપિયા રોકડા લઇને ફરવા નીકળી ગયા હતા. પરિવારને જાણ થતાં ભુજ છ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર અલ્પેશ પટેલે આ બાબતને અતિ ગંભીરતાથી લઇને તેમને લોકેશન શોધ્યા તો અમદાવાદ એરપોર્ટના લોકેશન મળ્યા.
તરત જ પોતાની બેચના ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકેની મદદ માગી. ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકે અને તેમના પીએસઆઈ વિજયસિંહ ગોહિલ ટીમ સાથે એરપોર્ટ પહોંચી ગયા. બન્ને સગીરે કોલકાતા માટે ટિકિટ બુક કરાવી સિક્યુરીટી ચેકિંગ પણ કરાવી લીધું હતું. જોકે, પોલીસે સીઆઈએસએફની મદદથી તેમને અટકાવ્યા હતા અને ભુજ પોલીસને હવાલે કર્યા છે.
અતિશય સાહ્યબીમાં ઉછેર થવાથી સ્વચ્છંદી બની ગયેલા ભુજના એક નબીરાએ પોતાના મિત્ર સાથે ગોવા ફરવા જવાનો પ્લાન ઘડ્યો હતો. ગોવામાં મોજમસ્તી કરવા માટે રૂપિયાની કોઇ જ ખોટ ન પડે તે માટે તેણે પોતાના જ ઘરમાં લાખો રૂપિયાની ચોરી કરી. મિત્રએ પણ થોડા રૂપિયા લીધા. બન્ને સગીર મિત્ર સોનાની લગડી અને સોનાના દાગીના તથા લાખો રૂપિયા લઇને ઘરેથી ભાગ્યા.
ફ્લાઇટમાં ગોવા જવા અમદાવાદ પહોંચ્યા. જ્યાં એક હોટલમાં રોકાયા અને ત્યાંથી જ ગોવા માટે બુકિંગ કરાવ્યું. બીજી તરફ, બન્ને પરિવારો દીકરા ગુમ હોવાથી ટેન્શનમાં આવી ગયા. લાખો રૂપિયા લઇને તેઓ ક્યાં ગયા તે ચિંતા સૌને સતાવતી હતી. આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી.
ભુજ એ ડિવિઝનના ઇન્સ્પેક્ટર અલ્પેશ પટેલને તેમના લોકેશન અમદાવાદના મળ્યા. તરત જ ભુજ પોલીસે અમદાવાદ પોલીસની મદદ માગી. ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટ સાળુંકે અને પીએસઆઈ ગોહિલે લોકેશન ચેક કર્યા.
ક્રાઇમ બ્રાંચના ખાસ સોફ્ટવેરની મદદ લેતાં તેઓ જે હોટલમાં રોકાયા હતા. તેની વિગતો મળી ગઇ. પોલીસ હોટેલમાં પહોંચી ત્યારે તો તેઓ એરપોર્ટ જવા નીકળી ગયા હતા. પોલીસ સીધી એરપોર્ટ પહોંચી. સીઆઈએસએફની મદદથી બન્ને સગીરને ટર્મિનલ બિલ્ડિંગ બહાર લાવવામાં આવ્યા, લગેજ પણ લવાયો.
પૂછપરછ કરતાં તેમણે ઘરેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી અને દાગીના, લગડી, લાખો રૂપિયા ભુજમાં જ એક મિત્રના ઘરે મૂક્યા હોવાનું કહ્યું. તેમણે પહેલા ગોવાની ટિકિટ બુક કરાવી હતી તે પોલીસને જાણ થઇ જતાં તેમણે કેન્સલ કરાવી કોલકાતાની ટિકિટ બુક કરાવી હતી. આખરે ક્રાઇમ બ્રાંચે તેમને હવાલો ભુજ પોલીસ અને પરિવારને સોંપ્યો હતો. આ સગીરોએ અગાઉ પણ પોતાના જ ઘરમાં મોટી ચોરી કરી હતી. આ સગીર કોના રવાડે ચડીને આ કાંડ કરી રહ્યા છે તેની તપાસ ચાલું છે.SS1MS