પાટણ હેમ. ઉ. ગુ. યુનિવર્સિટીમાં બનાવટી ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ

પાટણ, પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બનાવટી ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ન હોવા છતાં, વડોદરાની પંચજન્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ નામની કોલેજ દ્વારા અપાયેલી બનાવટી ડિગ્રી અને ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરવા બદલ એક વિદ્યાર્થિની અને કોલેજના સંચાલક સામે પાટણ યુનિવર્સિટી પરીક્ષા નિયામક દ્વારા પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
નવસારીની રહેવાસી નેરીયા અકબરઅલી વિરાણીએ વડોદરાની પંચજન્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝના તેજસ મજમુદાર પાસેથી બનાવટી ડિગ્રી મેળવી હતી.
બનાવટી દસ્તાવેજોનો ખુલાસો ગઈ તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ વિરાણી નેરીયા અકબરઅલી નામની વિદ્યાર્થિની યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર પર ડબલ્યુઈએસ કરાવવા માટે તેના અભ્યાસના આધાર-પુરાવા સાથે આવી હતી. વિદ્યાર્થિનીએ રજૂ કરેલા પંચજન્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝના સર્ટિફિકેટ્સની ખરાઈ કરી હતી.
જેમાં પરીક્ષા નિયામકને જાણવા મળ્યું કે આ કોલેજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન નથી. વધુ તપાસ કરતાં વિદ્યાર્થીનીની બીબીએ (માર્ચ-૨૦૧૧) અને એમબીએ (૨૦૧૫)ની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને ટ્રાન્સક્રિપ્ટ ખોટી હોવાનું જણાયું હતું.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, વિદેશ જવા માટે ઉપયોગમાં લેવાયેલી ટ્રાન્સક્રિપ્ટમાં પાટણ યુનિવર્સિટીના પૂર્વ અને દિવંગત રજિસ્ટ્રાર ડૉ. ડી.એમ.પટેલના હસ્તાક્ષર હતા. નોંધનીય છે કે ડૉ. ડી.એમ. પટેલનું અવસાન ૨૦૨૨માં થયું હતું, જ્યારે ટ્રાન્સક્રિપ્ટ પરની તારીખ ૦૯/૧૦/૨૦૨૪ દર્શાવવામાં આવી હતી. આના પરથી સ્પષ્ટ થયું કે દસ્તાવેજ બનાવટી હતો.
આ બાબતે પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીની વિરાણી નેરીયા અકબરઅલીએ કબૂલ્યું કે તેણે પંચજન્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજમાંથી ઓનલાઈન ડિગ્રી મેળવી હતી અને કોલેજના તેજસ મજમુદારે તેને આ ડિગ્રી સર્ટિફિકેટ આપ્યા હતા. આ મામલે પોલીસે નેરીયા અકબરઅલી વિરાણી (નવસારી) અને તેજસ મજમુદાર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.SS1MS