રાજકોટમાં ૪૧ રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીની ફરિયાદ

રાજકોટ, રાજકોટમાં આર.કે. એમ્પાયરમાં આવેલી રિસેટ વેલ્થ નામની પેઢીના સંચાલક સંજય માંગરોલિયાએ રોકાણકારોને દર મહિને ૫ થી ૭ ટકા વ્યાજ આપવાની લાલચ આપી કુલ ૫.૯૨ કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
નાના મવા ગામના નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા (ઉંમર ૫૧) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે અને તેમના પરિવારે સંજય માંગરોલિયાની રિસેટ વેલ્થ કંપનીમાં વર્ષ ૨૦૨૦ થી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. સંજયે તેમને માસિક ૫ થી ૭ ટકા વળતર આપવાનું વચન આપ્યું હતું અને શરૂઆતમાં નિયમિત વળતર પણ ચૂકવ્યું હતું, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો.
નિર્મળસિંહ અને તેમના પત્નીએ ૭ લાખનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત, તેમના સાસુ, દીકરી અને પુત્ર સહિત અન્ય ૪૦ જેટલા રોકાણકારોએ પણ આ કંપનીમાં કુલ ૫.૬૫ કરોડનું રોકાણ કર્યું હતું. કુલ ૪૧ રોકાણકારો પાસેથી ૫.૯૨ કરોડ પડાવવામાં આવ્યા હતા.ફેબ્›આરી ૨૦૨૫ થી સંજય માંગરોલિયાએ વળતર ચૂકવવાનું બંધ કરી દીધું હતું.
ત્યારબાદ તેણે તેની ઓફિસને તાળા મારી દીધા અને મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો. અનેક પ્રયત્નો છતાં તેનો સંપર્ક ન થતાં, રોકાણકારોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
આ ફરિયાદના આધારે, માલવિયાનગર પોલીસે સંજય લાલજી માંગરોલિયા (રહે. આર.કે. એમ્પાયર, ૧૫૦ ફૂટ રિંગરોડ, રાજકોટ) વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS