Western Times News

Gujarati News

દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોસિએશન દ્વારા શૈક્ષણિક પહેલ: વિદ્યાર્થીઓને 4 લાખની સ્કોલરશીપ

અમદાવાદ: શહેરના કાંકરિયા સ્થિત દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ધોરણ 5 થી 12 ના આશરે 300 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તેમના શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કુલ ₹4,00,000 ની માતબર રકમની સ્કોલરશીપ તથા પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવે છે.

એસોસિએશનના અગ્રણીઓ શ્રી ક્ષિતિજ ઠાકોર અને શ્રી તપન ઓઝાએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની સાથે સાથે સંસ્થાના પાયાના ઘડવૈયા એવા સ્વર્ગીય ગુરુજનોનું સ્મરણ કરવાનો છે.

મોટાભાગની સ્કોલરશીપ સ્વ. ઠાકોરભાઈ સાહેબ, સ્વ. કચ્છી સાહેબ, સ્વ. કાંતીભાઈ પટેલ સાહેબ, સ્વ. નીલાબહેન મહેતા, સ્વ. રામાનંદ પટેલ સાહેબ, સ્વ. રસીકભાઈ મહેતા સાહેબ, સ્વ. ગુણવંત પટેલ સાહેબ તથા સ્વ. દશરથ પટેલ સાહેબ જેવા આદરણીય ગુરુજનોના નામે અર્પણ કરવામાં આવે છે.

આ વર્ષથી આ કાર્યક્રમમાં એક વિશેષ ઉમેરો પણ થયો છે. શાળાના 1975ની બેચના મિત્રો દ્વારા ₹8 લાખના ભંડોળ સાથે સ્વર્ગીય સર્વોપમાબેન છાયાની સ્મૃતિમાં ખાસ દીકરીઓ માટે “બેટી પઢાવો સ્કોલરશીપ” શરૂ કરવામાં આવી છે, જે નારી શિક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રદીપ દલાલ (1967 બેચ) દ્વારા પણ વિવિધ ધોરણો અને વિષયો માટે અનેક સ્કોલરશીપ આપીને આ ઉમદા કાર્યમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.