ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૨૫ જિલ્લાના 90 તાલુકાઓમાં વરસાદ

પ્રતિકાત્મક
નવસારીના જલાલપોર તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૫૮.૧૯ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૬૦ ટકા કરતાં વધુ ભરાયા
Ø ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫થી આજ દિન સુધીમાં ૪,૨૭૮ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
Ø ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૬ જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ
Ahmedabad, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૫ જિલ્લાના ૯૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસાદ નોંધાયો છે. વધુમાં આજે, તા. ૨૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૪.૬૭ ટકા જેટલો નોંધાયો છે.
આજે સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં આવેલ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૫૮.૧૯ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૬૦ ટકા કરતાં વધુ ભરાઈ ગયા છે. રાજ્યના ૨૮ જળાશયો ૧૦૦ ટકા, ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૪૧ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૩૭ જળાશયો ૨૫ થી ૫૦ ટકા તેમજ ૩૮ જળાશયો ૨૫ ટકા કરતાં ઓછા ભરાયેલા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૪૮ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૨૫ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા કુલ ૪,૨૭૮ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૬૮૯ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં ૧૨ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ ૦૩ NDRFની તેમજ ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
વધુમાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૬ જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વરસાદના કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને ૧૦૦ ટકા પૂર્વવત કરવામાં આવ્યો છે. G.S.R.T.Cથી મળેલી માહિતી મુજબ આજની સ્થિતીએ સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે બસના કોઈપણ રૂટ કે ટ્રીપ બંધ નથી.