એક પુખ્ત ગપ્પી માછલી દરરોજ 100 થી 300 મચ્છરના લાર્વા ભક્ષી શકે છે

ઝુંડમાં ફરતી ‘ગમ્બુશીયા-ગપ્પી’ માછલી: જળસંગ્રહ સ્થાનોને મચ્છરમુક્ત બનાવતી જળચર સેના
અમદાવાદ જિલ્લામાં જૈવિક નિયંત્રણ પદ્ધતિથી મચ્છર નિયંત્રણ : પોરાભક્ષક માછલીઓ દ્વારા એક જૈવિક ક્રાંતિ
અમદાવાદ, મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ જેવી બીમારીઓ આજે પણ વિશ્વભર માટે એક મોટો પડકાર છે. આ રોગોને અટકાવવા માટે મચ્છર નિયંત્રણ અનિવાર્ય છે. પરંપરાગત રાસાયણિક નિયંત્રણ પદ્ધતિઓની આડઅસરો અને પર્યાવરણીય જોખમોને કારણે, જૈવિક નિયંત્રણ પદ્ધતિ (Biological Control System) એક સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરીકે ઊભરી આવી છે.
અમદાવાદ જિલ્લામાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે રસાયણમુક્ત અને પર્યાવરણને અનુકૂળ જૈવિક નિયંત્રણ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષથી આ કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
જેમાં પોરાભક્ષક માછલીઓ જેમ કે, ગમ્બુશીયા એફીનીસ અને ગપ્પીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આ નાની ૪થી ૬ સે.મી.ની માછલીઓ પાણીમાં મચ્છરના ઇંડા નહીં, પરંતુ લાર્વા ખાઈને તેમનો નાશ કરે છે અને એક પુખ્ત માછલી દરરોજ ૧૦૦થી ૩૦૦ લાર્વા ભક્ષી શકે છે. આ માછલીઓની પ્રજનન ક્ષમતા પણ અદ્ભુત છે. એક માછલી વર્ષમાં ચાર વખત ૨૦૦થી ૩૦૦ બચ્ચાને જન્મ આપી શકે છે, આમ વર્ષે ૮૦૦થી ૧૨૦૦ નવા લાર્વાભક્ષકોને જન્મ આપે છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડના સુપરવિઝન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ હેચરી ડેવલપ કરવામાં આવી રહી છે,
જેમાં કુદરતી તળાવો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પ્રા.આ.કે.) કક્ષાએ કન્સ્ટ્રકટેડ હેચરી અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) દ્વારા પોતાના હોજ અને મોટા હવાડામાં પણ આ માછલીઓ મૂકવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૨૬૪ હેચરી છે, જે પૈકી ૯૭ નેચરલ હેચરી અને ૧૬૭ સ્ટોક/કન્સ્ટ્રકટેડ હેચરી છે. અત્યાર સુધીમાં ૭૪૫ જગ્યાએ માછલીઓ મૂકવામાં આવી છે, જે મચ્છર નિયંત્રણમાં જૈવિક પદ્ધતિના અમલીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પોરાભક્ષક માછલીઓના પ્રકાર અને દેખાવની વાત કરીએ તો મુખ્યત્વે ગમ્બુશીયા એફીનીસ અને ગપ્પી (પોઇસીલીયા રેટીકયુલેટા) એમ બે પ્રકારની પોરાભક્ષક માછલીઓ જોવા મળે છે. આ માછલીઓ નાની, પાતળી, રાખોડી પડતા કાળા રંગની અને લંબાઈમાં ૪થી ૬ સે.મી. હોય છે.
વસવાટ અને પ્રજનન ક્ષમતા આ માછલીઓને કાયમી પાણીનાં સંગ્રહ સ્થાનો જેવાં કે તળાવ, હોજ, હવાડા, ટાંકા, પાણીના મોટા ખાડા-ખાબોચિયા અને ધીમે ધીમે વહેતી નહેરો વગેરેમાં છોડી શકાય છે. સામાન્ય રીતે, ૧ ચોરસ મીટર પાણીના ક્ષેત્રફળમાં ૫થી ૧૦ નર-માદા માછલીઓ મૂકવામાં આવે છે. તેમની પ્રજનન ક્ષમતા અદ્ભુત છે. તેમનો પ્રજનન સમય એપ્રિલથી નવેમ્બર હોય છે, જેથી માછલીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે છે.
એક કુદરતી શિકારી આ માછલીઓની મચ્છર નિયંત્રણમાં કાર્યક્ષમતા પ્રશંસનીય છે. એક પુખ્ત માછલી દરરોજ લગભગ ૧૦૦થી ૩૦૦ મચ્છરના લાર્વા ખાઈ શકે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે, આ માછલીઓ મચ્છરના ઈંડા ખાતી નથી, પરંતુ માત્ર લાર્વાને ખાય છે. મનુષ્ય આ માછલીનો ઉપયોગ ખોરાક તરીકે કરતો નથી.
આમ, પોરાભક્ષક માછલીઓ મચ્છર નિયંત્રણ માટે એક અસરકારક, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પૂરો પાડે છે. આ જૈવિક પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરીને આપણે મચ્છરજન્ય રોગોના બોજને નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.
એટલું જ નહીં આ વર્ષે ૨૩ જુલાઇ ૨૦૨૫ સુધીમાં અમદાવાદ જિલ્લામાં એક પણ મેલેરિયાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી, તેમ જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.
જૈવિક નિયંત્રણ પદ્ધિતિ શું છે ?
જૈવિક નિયંત્રણ પદ્ધતિ એટલે કે બાયોલોજીકલ કંટ્રોલ સિસ્ટમમાં, પોરાભક્ષક માછલીઓનો ઉપયોગ થાય છે. આ માછલીઓ મચ્છરના પોરા (લાર્વા)ને ખાઈને તેમનો નાશ કરે છે. રસાયણિક પદ્ધતિઓથી વિપરીત આ પદ્ધતિથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. રસપ્રદ વાત એ છે કે, વર્ષ ૧૯૦૩થી જાહેર આરોગ્યમાં પોરાભક્ષક માછલીઓનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે. જાહેર આરોગ્યમાં પોરાભક્ષક માછલીઓનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં જૈવિક નિયંત્રણ પદ્ધતિ તરીકે માછલીઓનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવે છે.
જ્યાં કેમિકલ અશક્ય, ત્યાં પોરાભક્ષક માછલી શક્ય
સામાન્ય રીતે મોટા હોજ કે હવાડા જ્યાં પશુઓ પાણી પીતા હોય છે, ત્યાં માલિકો રસાયણિક દવાઓ નાંખવા દેતા નથી, જેનાથી મચ્છર ઉત્પત્તિ સતત ચાલુ રહે છે. આવા સ્થળોએ જો પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવે તો મચ્છરની ઉત્પત્તિ થતી નથી. જ્યારે પશુઓ પાણી પીવે ત્યારે માછલીઓ તળિયામાં જતી રહે છે, જેથી તેમને કોઈ નુકસાન થતું નથી.
એટલું જ નહીં, ચોમાસા દરમિયાન ૪થી ૬ માસ સુધી જ્યાં પાણી ભરાયેલું રહેતું હોય તેવી જગ્યાએ પણ આ માછલીઓ મૂકવામાં આવે છે. ન્યુસન્સ મચ્છરોના ( મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાનો રોગ ન કરે માત્ર કરડે) બ્રિડિંગનો પણ નાશ થાય છે.