Western Times News

Gujarati News

આદિજાતિ વિસ્તારના ચાર જિલ્લાઓ માટેના મોબાઈલ મેડીકલ યુનિટનું લોકાર્પણ કરાશે

ડોક્ટર, નર્સ, ફાર્માસીસ્ટ તથા ડાઇવર સહિતની તાલીમ પામેલ ટીમ ધરાવતી મોબાઈલ મેડિકલ વાન મેડીકલ ચેક-અપ, વિનામૂલ્યે દવા તથા સારવાર આપશે

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા અને આરઈસી(REC) ફાઉન્ડેશન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ચાર જિલ્લાઓમાં શરૂ કરાશે મોબાઈલ મેડિકલ વાન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પચીસમી જુલાઈના રોજ ચાર જિલ્લાઓમાં મોબાઈલ મેડીકલ યુનિટનું લોકાર્પણ કરાશે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા  રાજ્યના આદિજાતિ પ્રભુત્વ ધરાવતા અને અંતરિયાળ ભૌગોલિકતા ધરાવતા જિલ્લાઓ પૈકી ડાંગ, દાહોદ, સાબરકાંઠા તથા અરવલ્લીમાં આરઈસી (REC) ફાઉન્ડેશન,  દિલ્હીના સહયોગથી મોબાઇલ મેડીકલ યુનિટનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદિજાતિ વિસ્તારના દરેક ઘર સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત રેડ ક્રોસનાં ચેરમેનશ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં તથા REC Foundation, Delhiના સહયોગથી શરૂ કરવામાં આવેલ મોબાઈલ મેડીકલ વાન પૈકી એક વાન મારફત દરરોજનાં ૧૦૦ કરતાં વધારે દર્દીઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ એક માસમાં ૧૦૦૦૦થી વધારે જરૂરીયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ તેઓનાં દ્વારે જ ઉપલબ્ધ થઇ રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. લોકસેવા માટે તૈયાર કરાયેલ આ મોબાઈલ મેડીકલ યુનિટનું નિયંત્રણ GPRS દ્વારા કરવામાં આવનાર છે.

આ મોબાઇલ મેડીકલ વાનમાં ડોક્ટર, નર્સ, ફાર્માસીસ્ટ તથા ડ્રાઇવર સહિતની તાલીમ પામેલ ટીમ ઉપલબ્ધ હશે,જે દરેક ફળિયા તથા મહોલ્લામાં મોબાઈલ મેડીકલ વાન લઇને બીમાર અને જરૂરિયાતમંદ લોકોનું મેડીકલ ચેક-અપ કરી વિનામૂલ્યે દવા તથા સારવાર આપવાનું કાર્ય કરશે.

મોબાઈલ મેડિકલ વાન મારફતે બીમાર અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવારની કામગીરીની સાથેસાથે આરોગ્યની સંભાળ માટે જરૂરી માર્ગદર્શન તથા સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, થેલેસેમીયા – સિકલસેલ જેવી વિવિધ જીવલેણ બીમારીઓ અટકાવવાની કામગીરી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાનાં  ચેરમેન શ્રી અજયભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય શાખા સમાજ કલ્યાણ અને જન સમુદાયના ઉત્થાન માટે ઘણા બધા આરોગ્યલક્ષી તથા માનવતાવાદી કાર્યક્રમો ચલાવી રહી છે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોનાં દુ:ખો મહદઅંશે દૂર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંની એક છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રીય રાજ્ય શાખાઓમાંની એક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.