Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજચોરી થાય છેઃ સૌથી વધુ નુકશાન PGVCLને

પ્રતિકાત્મક

વીજ ચોરીના બનાવની વાત કરીએ તો ચોરીના સૌથી વધુ બનાવ પીજીવીસીએલ (સૌરાષ્ટ્ર)ની હદમાં નોંધાયા છે.

રાજ્યમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાના અહેવાલઃ 2 વર્ષમાં 1 હજાર કરોડની વીજચોરી

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાના કારણે વીજ ચોરી કરનારા શખ્સો સામે ઝડપી અને અસરકારક કામગીરી થઇ શકે તે માટે રાજ્યમાં જીયુવીએનએલના ૧૬ પોલીસ સ્ટેશન કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગ દરમિયાન ૨,૮૨,૧૬૪ ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું અને પૈકીના ૧,૫૨,૬૦૨ ગ્રાહકોએ વીજ ચોરીની રૂ. ૧૦૨૯ કરોડની રકમ ન ચૂકવતા તેમની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યું હતું કે, વીજ ચોરી કરતા શખ્સો સામે જીયુવીએનએલના ૧૬ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરી ઇન્ડિયન ઈલેક્ટ્રીસિટી એક્ટ ૨૦૦૩ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે અને તેમાં દંડ અને ત્રણ વર્ષની સજાની જોગવાઈ હોવા છતાં લોકોમાં વીજ ચોરીનો કોઈ ડર ન હોય તે રીતે બે વર્ષમાં લાખોની સંખ્યામાં લોકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા.

રાજ્યમાં ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલ એમ ચાર કંપની દ્વારા ગ્રાહકોને વીજળી સપ્લાઈ કરવામાં આવે છે. આ કંપની દ્વારા સમયાંતરે તેમના વિસ્તારમાં વીજ ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવે છે અને ડ્રાઇવ દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકોને દંડ સાથે રકમ ચૂકવવાનું જણાવવામાં આવે છે.

જો કે, ગ્રાહકો દ્વારા રકમ ચૂકવવામાં ન આવે તો તેમની સામે જે તે જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. સુત્રાના જણાવ્યા પ્રમાણે વીજ ચોરી કરનારા શખ્સો એટલા બેખૌફ હોય છે કે, તેઓ ચેકિંગ માટે પોલીસ કાફલા સાથે આવેલી ટીમ પર પથ્થરમારો તેમજ હુમલો કરતા સહેજ પણ ગભરાતા નથી.

છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગમાં ગયેલા સ્ટાફ પર હુમલાના ૬૧ બનાવો બન્યા હતા અને તે અંગે જે તે શહેરના પોલીસ સ્ટેશનમાં અલગથી ફરિયાદો નોંધાવવામાં આવી છે. વીજ ચોરીના બનાવની વાત કરીએ તો ચોરીના સૌથી વધુ બનાવ પીજીવીસીએલ (સૌરાષ્ટ્ર)ની હદમાં નોંધાયા છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યમાં ૧૯,૬૭,૦૨૪ વીજ કનેકશન ચેક કરવામાં આવતા તેમાં ૧,૫૦,૯૨૦ કનેકશનમાં વીજ ચોરી થઈ હોવાનું તો વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૮,૯૨,૭૭૭ વીજ કનેકશન ચેક કરવામાં આવતા ૧,૩૧,૨૪૪ ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ ૨,૮૨,૧૬૪ ગ્રાહકોને દંડ સાથેની રકમ ચૂકવવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ તે પૈકીના ૧,૫૨,૬૦૨ ગ્રાહકોએ વીજ ચોરીની રૂ. ૧૦૨૯ કરોડની રકમ ન ચૂકવતા તેમની સામે વીજ ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.