મ્યુનિ. સ્ટ્રીટ લાઈટ વિભાગમાં રૂ.૧૯૦ કરોડના ટેન્ડરની રકમ રૂ.પ૦૦ કરોડ સુધી પહોંચશે !

અમદાવાદ મ્યુનિ. ભવનમાં ચર્ચાઃ SITCના ટેન્ડર મંજુર કરવામાં કે તેની ફાઈલો સહી કરવા પાછળ મોટો ભ્રષ્ટાચાર થયો છે
પ્રથમ વખત જ રાદડિયા પરેશ અને વોલકર નામની બે કંપનીઓની એન્ટ્રી થઈ છે.
SITCના ટેન્ડર મંજુરીમાં મોટી રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાની ચાલી રહેલી ચર્ચા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ સ્ટ્રીટ લાઈટ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહયો છે. સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેનન્સ માટે સીટેલુમ કંપનીનો કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ કોઈ નવી કંપનીને હજી સુધી કામ સોંપવામાં આવ્યું નથી. તેવી જ રીતે ઝોન દીઠ SITC ના ટેન્ડર પણ વિવાદનું કેન્દ્ર બન્યા હતાં પરંતુ તેનાથી પણ મોટો વિવાદ કે ભ્રષ્ટાચાર SITCના ટેન્ડર મંજુર કરવા પાછળ થયો હોવાની ચર્ચા ચાલી છે.
શહેરના તમામ ઝોનમાં આ કોન્ટ્રાકટ હજી હમણાં જ આપવામાં આવ્યા હોવા છતાં સ્ટ્રીટ લાઈટ વિભાગ તરફથી અધધધ… કહી શકાય તેવા રૂ.પ૦૦ કરોડનું ટેન્ડર જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મ્યુનિ. ભવનમાં ચાલી રહેલી ચર્ચા મુજબ SITCના ટેન્ડરમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર કરતા પણ મોટુ કૌભાંડ આકાર લઈ રહયું છે.
મ્યુનિ. સ્ટ્રીટ વિભાગ દ્વારા મેઈનટેનન્સ માટે ત્રણ વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા બાદ પણ હજી સુધી કોઈ એક કંપનીને કામ સોંપવામાં આવ્યું નથી. જયારે બીજી તરફ ઝોન દીઠ સપ્લાય એન્ડ ટેસ્ટીંગ માટે પણ અગાઉ બે વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં પરંતુ તેમાં ઉંચા ભાવ ને કોન્ટ્રાકટરોની સીન્ડીકેટના કારણે તે ટેન્ડરો પણ રદ કરવામાં આવ્યા હતાં
ત્યારબાદ લાઈટ વિભાગના ડેપ્યુટી કમિશનરની બદલી થતાં નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં અને જે કોન્ટ્રાકટરોએ સીન્ડીકેટ કરી હોવાનું કહેવામાં આવે છે તેમને જ આ કામ સોંપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ વખત જ રાદડિયા પરેશ અને વોલકર નામની બે કંપનીઓની એન્ટ્રી થઈ છે. મ્યુનિ. ભવનમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે SITCના ટેન્ડર મંજુર કરવામાં કે તેની ફાઈલો સહી કરવા પાછળ મોટો ભ્રષ્ટાચાર થયો છે જેની રકમ રૂ.૩૦ લાખ આસપાસ હોવાનું કહેવાય છે. જોકે આ બધી બાબતો માત્ર કાનાફુસી જ હોય શકે છે કારણ કે તેના કોઈ નક્કર પુરાવા હોતા નથી.
મ્યુનિ. સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા SITC માટે અગાઉ જે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા તે બજારભાવને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવ્યા હતાં જેના કારણે આ ટેન્ડર રપ થી ૩૦ ટકા ઉંચા ભાવથી આવ્યા હતાં. મ્યુનિ. સ્ટ્રીટ વિભાગમાં વર્ષોથી સપ્લાય માટે બજારભાવ અને ઈન્સ્ટોલેશન અને ટેસ્ટીગ માટે એસઓઆર મુજબ જ ટેન્ડર તૈયાર થાય છે
પરંતુ અગમ્ય કારણોસર ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ આ ટેન્ડરોને રદ કર્યા હતાં અને તેમની મરજી મુજબ નવા ટેન્ડર તૈયાર કરાવી મંજુર કરી કામ સોંપવામાં આવ્યા છે જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં આઈએનસીને રૂ.૭ કરોડ, પશ્ચિમ ઝોનમાં ડીજીટલ એન્જીનીયરીંગને રૂ.૭ કરોડ, ઉત્તર ઝોનમાં વિજયશ્રી ઈલેકટ્રોનિકને રૂ.૭ કરોડ, બગીચા વિભાગમાં સન ટ્રેડીંગ કંપનીને રૂ.પ કરોડ, પશ્ચિમ ઝોનમાં વોલકર ઈલેકટ્રીકલને રૂ.પ કરોડ,
પૂર્વ ઝોનમાં વોલકર ઈલેકટ્રીકને રૂ.પ કરોડ, દક્ષિણ ઝોનમાં એવરેસ્ટને રૂ.૩ કરોડ, ઉત્તર પશ્ચિમમાં ગાયત્રી ઈલેકટ્રીકને રૂ.૩ કરોડ અને મધ્યઝોનમાં એચઈસીને રૂ.પ કરોડ તેમજ પૂર્વ ઝોનમાં પરેશ રાદડિયાને રૂ.પ કરોડ અને દક્ષિણ ઝોનમાં પરેશ રાદડિયાને રૂ.પ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એવરેસ્ટ મલ્ટીટેકના રૂ.૩ કરોડના ટેન્ડર મંજુર થઈ ગયા છે જેની દરખાસ્ત આગામી કમીટીમાં રજુ થશે.
મ્યુનિ. સ્ટ્રીટ લાઈટના મેઈન્ટેનન્સ માટે રૂ.૧૯૦ કરોડનો પાંચ વર્ષ માટે કોન્ટ્રાકટ આપવમાં આવે છે જે હજી સુધી ત્રણ ટેન્ડર બાદ પણ કોઈને આપવામાં આવ્યા છે. જયારે SITCના દર વર્ષે કોન્ટ્રાકટ આપવામાં આવે છે જેમાં કિંમત મર્યાદા હોય છે અને તે પૂર્ણ થયા બાદ નવા કોન્ટ્રાકટ અપાય છે. પરંતુ હવે ગાંધીનગરથી આવેલા એક ઉચ્ચ અધિકારીના મનમાં નવા જ વિચાર આવ્યા છે તથા સ્ટ્રીટ લાઈટ મેઈનટેનન્સ અને SITCના પાંચ એક જ ટેન્ડર જાહેર કરવામાં આવશે
જેની અંદાજીત રકમ રૂ.પ૦૦ કરોડ થાય છે. તેમાં પણ એવી શરત રહેશે કે હાલ જે કંપનીઓને SITCના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે તે પૂર્ણ થયા બાદ જ નવી કંપનીને કામ સોંપવામાં આવશે. આ પ્રકારના ટેન્ડરમાં એક જ કંપનીને સ્ટ્રીટ લાઈટ મેઈનટેનન્સ અને SITCની ઈજારાશાહી આપવાથી અધિકારીઓને ભલે ફાયદો થતો હોય પરંતુ નાગરિકો માટે સરવાળે નુકસાન જ થશે તેમ માનવામાં આવે છે.