વર્ષ 2025માં ભારતમાં રોડ અકસ્માતમાં અંદાજીત 27 હજાર લોકોના મોત થયા

પ્રતિકાત્મક
રોડ અકસ્માતો ઘટાડવા અને જોખમભરી જગ્યાની ઓળખ અને તેમાં સુધારો કરવા રોડ સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું
વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રતિદિન સરેરાશ 37 કિલોમીટર હાઇવેનું નિર્માણ કરાયું હતું-૨૦૨૪-૨૫માં અંદાજીત 29 કિલોમીટર થયું
નવી દિલ્હી, ૨૦૨૫માં દેશભરમાં રોડ અકસ્માતમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, ૨૦૨૪માં કેટલા અકસ્માતો થયા છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું બાંધકામ કેવી રીતે ચાલી રહ્યું છે ? કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ તમામ પ્રશ્નનો સંસદમાં જવાબ આપ્યો છે.
ગડકરીએ બુધવારે (૨૩ જુલાઈ) રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું છે કે, ‘જાન્યુઆરી-૨૦૨૫થી જૂન-૨૦૨૫ સુધીમાં નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતોમાં કુલ ૨૬,૭૭૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે વર્ષ ૨૦૨૪માં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ૫૨૬૦૯ જીવલેણ અકસ્માતો થયા છે. ૨૦૨૩માં આ આંકડો ૫૩,૩૭૨ હતો.
તેમણે એમ પણ કહ્યું કે, નેશનલ હાઇવે આૅથોરિટી આૅફ ઇન્ડિયાએ સૌથી વધુ ટ્રાફિક ધરાવતા ધોરીમાર્ગો અને એક્સપ્રેસ હાઇવેને ઓળખીને, જેમ કે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ, ટ્રાન્સ-હરિયાણા, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર ‘ઍડ્વાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS) લગાવી છે. ATMSમાં ઈલેક્ટ્રોનિક પ્રવર્તન ઉપકરણોની વ્યવસ્થા છે’
એટીએમએસનો ઉપયોગ કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા, નિયમોનો ભંગ કરતાં લોકોને શોધી કાઢવા અને પુરાવા એકત્રિત કરવા માટે થાય છે. આ ઉપકરણો ખાસ કરીને ટ્રાફિક નિયમોના અમલીકરણ અને માર્ગ સલામતી વધારવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગડકરીએ અન્ય એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘રોડ અકસ્માતો ઘટાડવા અને જોખમભરી જગ્યાની ઓળખ અને તેમાં સુધારો કરવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૧૨,૫૬૧ કિલોમીટર રાષ્ટ્રીય રાજમાર્ગોનું રોડ સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રતિદિન સરેરાશ ૩૭ કિલોમીટર હાઇવેનું નિર્માણ કરાયું હતું, જોકે હવે ૨૦૨૩-૨૪માં ૩૪ કિલોમીટરનું નિર્માણ થયું છે.’ એટલે કે, દેશમાં રાષ્ટ્રીય હાઇવેના નિર્માણની કામગીરીમાં ઘટાડો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘દેશમાં ૨૦૨૨-૨૩માં ૧૦,૩૩૧ કિલોમીટર, ૨૦૨૩-૨૪માં ૧૨,૩૪૯ કિલોમીટર અને ૨૦૨૪-૨૫માં કુલ ૧૦,૬૬૦ કિલોમીટર નેશનલ હાઇવેની નિર્માણ કામગીરી કરાઈ છે.