મોરબીમાં રાજકીય આગેવાનો જુગાર રમતા ઝડપાઈ ગયા

Files Photo
હળવદ પોલીસે ચરાડવા ગ્રામ પંચાયતના સદસ્ય વિજય માકાસણા સહિત ચાર લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા
મોરબી, હળવદના ચરાડવા ગામના ગ્રામ પંચાયતના સદસ્ય વિજય માકાસણાને તેમની વાડીમાંથી જુગારધામ ચલાવતા પકડી પાડવામાં આવ્યા હતા. શ્રાવણ માસ હજુ શરૂ પણ નથી થયો ત્યાં આવા કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.
સામાજિક રીતે પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા ગ્રામ પંચાયતના સદસ્ય જ આવા ગેરકાયદેસર કાર્યો કરતા હોય, ત્યારે આવા સદસ્ય ગામનો શું વિકાસ કરશે?
ભાજપના આગેવાન બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા હોવાનું સામે આવતા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જ્યારે પણ શ્રાવણ માસ આવે છે, ત્યારે ‘શ્રાવણીયો જુગાર’ રમતા જુગારીઓ ઝડપાતા હોય છે.
આ જ રીતે, હળવદ પોલીસે ચરાડવા ગ્રામ પંચાયતના સદસ્ય વિજય માકાસણા સહિત ચાર લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આવા જુગારીઓ વારંવાર પકડાય છે પરંતુ તેમને જાણે કાયદાની કોઈ બીક જાણે તેમનામાં હોય જ નહી તેવું લાગી રહ્યું છે.
આ પોલીસ રેડમાં ૬૭,૩૭૦ના મુદ્દામાલ સાથે ભાજપના વિજય માકાસણા સહિત ચાર લોકો ઝડપાયા હતા. અગાઉ પણ એક અન્ય ભાજપ આગેવાન હળવદ-મોરબી ચોકડી પાસે આવેલી એક હોટલમાંથી જુગાર રમતા પકડાયા હતા. સમાજમાં આવા આગેવાનો દ્વારા જ્યારે આવા ગેરમાર્ગે દોરતા કામ કરવામાં આવે છે, ત્યારે સમાજમાં એક ખોટો દાખલો બેસે છે, જે સમાજના ઘડતર માટે હાનિકારક છે.
જુગારીઓ જુગાર રમવાની લતના કારણે તથા વધુ કમાણી કરી લેવાની લાલચમાં બરબાદ થતા હોય છે પરંતુ તેમને એ ખબર નથી કે આ લત તેમને આર્થિક રીતે પાયમાલ કરીને મુકી દે છે. જે કુટુંબને ક્્યારેય સધ્ધર કરી શકતા નથી.