કરોડોના ખર્ચે બનેલો માર્ગ ત્રણ મહિનામાં જ ગાબડાવાળો થતા ભ્રષ્ટાચારની આશંકા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના વરેડીયા કહાનથી સીટપોણ સુધી નવનિર્મિત માર્ગે લોકાર્પણના માત્ર ત્રણ મહિનામાં જ ગાબડાં પડતાં ભારે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જે સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતાનો વિષય બન્યો છે.
આ મામલે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલે સક્રિયતા દાખવી કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની નાયબ કાર્યપાલક ઈજનેર ભરૂચને લેખિતમાં રજૂઆત કરી છે.જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો રોડ રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરોડોના ખર્ચે બનેલો આ માર્ગ અત્યંત ટૂંકા ગાળામાં જ બિસ્માર હાલતમાં આવી ગયો છે. વરસાદની શરૂઆત થતાં જ માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે,જે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.આ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે, કે માર્ગ નિર્માણના કામમાં ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવ્યું છે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઈમ્તિયાઝે પોતાની લેખિત અરજીમાં જણાવ્યું છે કે આ રોડ નિર્માણ કાર્યમાં ગંભીર અનિયમિતતાઓ જોવા મળી રહી છે.માત્ર ખાડા જ નહીં, પરંતુ આ માર્ગ ઉપર ઠેર-ઠેર ગેરકાયદેસર સ્પીડબ્રેકરો પણ મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે.આ સ્પીડબ્રેકરો ટ્રાફિક સુરક્ષાને બદલે જોખમ ઊભું કરી રહ્યા છે.વધુમાં, વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા પાણીનો ભરાવો થાય છે,જેના કારણે રોડ વધુ ઝડપથી તૂટી રહ્યો છે. અને આસપાસના વિસ્તારોમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી રહી છે.
અહીં સૌથી ગંભીર બાબત એ છે કે માર્ગ પર આવેલું એક નાળું પણ બેસી ગયેલી પરિસ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે,જે કોઈપણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે.આ પ્રકારની નિર્માણ ગુણવત્તા સરકારી તંત્ર અને જવાબદાર કોન્ટ્રાક્ટરની બેદરકારી તથા ભ્રષ્ટાચાર પર સીધા સવાલ ઉભા કરે છે.
ઈમ્તિયાઝ પટેલે આ મામલે તંત્રને તાત્કાલિક પગલાં ભરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી છે.તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને માર્ગનું સમારકામ તથા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી નહીં થાય તો, જનહિતમાં રોડ રોકો આંદોલન સહિત કોર્ટ રાહે જવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
આ ઘટનાથી ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.સ્થાનિક નાગરિકો પણ આ મામલે રોષે ભરાયા છે અને ઝડપી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ મામલે કેવા પગલાં લેવાય છે અને શું નાગરિકોને એક સુવિધાયુક્ત અને સુરક્ષિત માર્ગ મળી શકશે?