બિહાર ચૂંટણીના બહિષ્કારના વિકલ્પની વિચારણા કરીશુંઃ તેજસ્વી યાદવ

પટણા, બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સઘન સુધારાનો વિપક્ષ પટણાથી લઇને નવી દિલ્હી સુધી ઉગ્ર વિરોધ કરી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો સંકેત આપતાં જણાવ્યું હતું કે બહિષ્કારના મુદ્દે સાથી પક્ષો સાથે ચર્ચા થઈ શકે છે અને જનતા શું ઇચ્છે તે પણ અમે જોઇશું.તેજસ્વીએ જણાવ્યું હતું કે જનતાની લાગણી અને તમામ પક્ષોના સામૂહિક અભિપ્રાયને પ્રાથમિકતા અપાશે. તેજસ્વી યાદવના આ નિવેદનને વિપક્ષની સંભવિત આકરી રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
જોકે તેમણે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે ચૂંટણીનો બહિષ્કાર કરાશે, પરંતુ તેમણે ચોક્કસપણે કહ્યું હતું કે આ વિકલ્પ પર વિચાર કરાશે.ચૂંટણીનો બહિષ્કાર શક્ય છે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે બહિષ્કાર એક વિકલ્પ છે, અમે તેના વિશે વિચારીશું. અંતિમ નિર્ણય લેતા પહેલા અમે અમારા ગઠબંધન ભાગીદારો અને જનતા સાથે વિચારવિમર્શ કરીશું.
જો ભાજપ નકલી મતદાર યાદીઓનો ઉપયોગ કરીને સરકાર ચલાવવા માંગતી હોય, તો તેમને એક મુદત લંબાવી દો. જો આખી પ્રક્રિયા અપ્રમાણિક હોય તો ચૂંટણી કરાવવાનો શું અર્થ છે.
દરમિયાન ચૂંટણીપંચે જણાવ્યું હતું કે બિહારમાં મતદાર યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારામાં એક લાખ જેટલા મતદારોને શોધી શકાય નથી. અત્યાર સુધી ૭.૧૭ કરોડ લોકોના ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે અને ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૦ લાખ મતદારો “મૃત્યુ પામેલા” હોવાનું નોંધાયું છે.
૨૮ લાખ અન્ય લોકો તેમના હાલના સરનામાં પરથી કાયમી ધોરણે સ્થળાંતરિત થયા હોવાનું જાણવા મળ્યું છે. ૧૫ લાખ મતદારોના ગણતરી ફોર્મ સ્થાનિક મતદાન અધિકારીઓને પરત કરાયા નથી.SS1MS