૧૬૦૦ ડિફોલ્ટર્સે બેન્કોના ૧.૬૨ લાખ કરોડ ચાંઉ કર્યા

નવી દિલ્હી, ભારતીય બેન્કો પર લોનનું ભારણ વધી રહ્યું છે, જે સાથે જ લોન લેનારા એવા લોકોની સંખ્યા પણ વધી રહી છે કે જેઓ લોનની રકમ ચુકવવા સક્ષમ હોવા છતા નથી ચુકવી રહ્યા. સંસદમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરની બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લઇને તેને ચુકવવાની ના પાડનારા વિલફુલ ડિફોલ્ટર એટલે કે આર્થીક રીતે સક્ષમ નાદારોની સંખ્યા ૧૬૦૦થી પણ વધુ છે.
આ લોકો બેન્કોના આશરે ૧.૬૨ લાખ કરોડ રૂપિયા દબાવીને બેઠા છે. રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં ખુલાસો કર્યાે હતો કે ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી પીએસયુ બેન્કોએ ૧૬૨૯ કોર્પાેરેટ ડિફોલ્ટર્સની ઓળખ કરી છે કે જેઓ ઇરાદાપૂર્વક લોન નથી ચુકવી રહ્યા. આ તમામ વિલફુલ ડિફોલ્ટર્સ પર કુલ મળીને ૧૬૨૯૬૧ કરોડ રૂપિયાનું દેવુ છે, જે ચુકવવાની ના પાડી રહ્યા છે.
બેન્કો દ્વારા સીઆરઆઇએલસીને જે રિપોર્ટ સોંપવામાં આવ્યો તેના આધારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મંત્રીએ દાવો કર્યાે હતો કે સરકાર હાલ આવા વિલફુલ ડિફોલ્ટર્સને લઇને કેટલાક પગલા લઇ રહી છે, જેમ કે આવા લોકોને નવુ સાહસ શરૂ કરવા માટે વધારાની લોન નથી અપાતી.
ડિફોલ્ટર્સ સાથે જોડાયેલી કંપનીઓને કેપિટલ માર્કેટમાં પ્રવેશ નથી અપાતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના માસ્ટર ડાયરેક્શન મુજબ બેન્કોએ દર મહિને વિલફુલ ડિફોલ્ટર્સની યાદી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (સીઆઇસીએસ) ને સોંપવાની હોય છે.
કરોડોની લોન લઇને ફરાર થઇ ગયેલા આશરે નવ જેટલા લોકોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, જેમની પાસેથી બેન્કોએ ૧૫,૨૯૮ રૂપિયા લેવાના બાકી છે.
વિલફુલ ડિફોલ્ટર્સ એવા લોકોને કહેવામાં આવે છે કે જેઓ તેમણે લીધેલી લોનની રકમ પરત કરવા માટે સક્ષમ તો હોય છે પરંતુ તેમ છતા નથી ચુકવતા અથવા બહાના બતાવ્યા રાખે છે.
હાલ જે વિલફુલ ડિફોલ્ટર્સના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે માર્ચ ૨૦૨૫ સુધીના છે. નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચ ૨૦૨૪ સુધીના આંકડા આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા જે મુજબ તે સમયે દેશમાં વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા ૨૬૬૪ હતી અને તેમણે બેન્કોના આશરે ૧.૯૬ લાખ કરોડ રૂપિયા દબાવીને રાખ્યા હતા.
આ વિલફુલ ડિફોલ્ટર્સ એવા લોકો છે કે જેમણે બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી, તેની મદદથી ખુબ મોટી રકમ બનાવી અને ધંધો જમાવ્યો, હવે પોતાની પાસે નાણા હોવા છતા તેઓ લોનની રકમ ચુકવવા નથી માગતા.SS1MS