દાહોદની પ્રતિષ્ઠિત SBI બેન્કમાં લોન ગોટાળાનો ભાંડાફોડ

દાહોદ, દાહોદમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્ટેટ બેન્ક આૅફ ઈન્ડિયામાંથી લોન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સ્ટેટ બેન્કની બે અલગ અલગ બ્રાન્ચમાં એજન્ટોએ અગાઉના બેંક મેનેજર સાથે મળી બોગસ પગાર સ્લીપ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે બેંકના તમામ નીતિ નિયમોને નેવે મૂકી ૫.૦૫ કરોડ રૂપિયાની લોન આપી છેતરપિંડી કર્યા હોવાનું બેંકની ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે.
આ મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાતા પોલીસે હાલ બેંક મેનેજર, એજન્ટો સહિત ૩૦ જેટલા લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી બંને બ્રાન્ચના મેનેજર, બે એજન્ટો તેમજ ત્રણ લોનધારકો મળી કુલ સાત લોકોની ધરપકડ કરતાં દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે.
દાહોદમાં એક પછી એક કૌભાંડ સામે આવતા જિલ્લાનું નામ રાજ્ય લેવલે નહીં પણ રાષ્ટ્રીય સ્તરે કલંકિત થઈ રહ્યું છે. ખાસ કરીને ૨૦૨૧થી ૨૦૨૩ વચ્ચેના સમયગાળામાં મેઈન બ્રાન્ચના મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંહ બેદીએ એજન્ટ સંજય ડામોર (દાહોદ) અને ફઈમ શેખ (સુરત) સાથે મળીને રેલવેમાં વર્ગ ૪માં નોકરી કરતા કર્મચારીઓને ઓછા પગાર હોવા છતાં બનાવટી પગાર સ્લીપ દ્વારા વધારે પગાર દર્શાવી ૧૯ લોકોને ૪.૭૭ કરોડની લોન આપી.
તે જ રીતે જીએલકે ટાવર આવેલી બીજી એસબીઆઈ બ્રાન્ચના મેનેજર મનીષ વામનરાવ ગવલેએ એજન્ટો સાથે મળી ૧૦ જેટલા લોકોને ઓફ પેપર શિક્ષક અને જીએસઆરટીસી કર્મચારી બતાવી ૮૨.૭૨ લાખની લોન મંજૂર કરી.પકડાયેલા એજન્ટો લોન માગતા ગ્રાહકોને બોગસ દસ્તાવેજ તૈયાર કરાવી લોન અપાવતાં અને બાદમાં કમિશન પેટે લોન રકમમાંથી હિસ્સો લેતાં હતા.
એમાંથી એક ભાગ બેંક મેનેજર સુધી પહોંચાડાતો હોવાનું બહાર આવ્યું છે.જ્યારે હપ્તા સમયસર નહીં ભરાતા કેટલાક ખાતા એનપીએ બની ગયા અને ત્યારબાદ જૂન ૨૦૨૪માં ઓડિટ રિપોર્ટમાં સમગ્ર કૌભાંડ ખુલાસો થયો.SS1MS