મોરબીની શાળામાં શિક્ષક- વિદ્યાર્થી વચ્ચે મારામારીઃ વિડિયો વાયરલ

મોરબી, મોરબી નજીકના મહેન્દ્રનગર ગામમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં ચાલુ વર્ગમાં શિક્ષક અને ધોરણ ૧૨ના વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.
આ ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.ગત ૧૭ જુલાઈએ ધો-૧૨માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી શાળાએ ગયો હતો. શાળાના શિક્ષક અને વાઇસ પ્રિન્સિપાલ દિનેશ ગોસાઈએ વિદ્યાર્થીને બે દિવસ પહેલાં ઇકોનોમિક્સના ટેસ્ટમાં ગેરહાજર રહેવા બાબતે પૂછ્યું હતું. વિદ્યાર્થીએ પોતાની તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું.
જોકે, વાલી તરફથી જાણ કેમ ન કરવામાં આવી તેવું પૂછતાં વિદ્યાર્થીએ આપેલા જવાબથી શિક્ષક ઉશ્કેરાઈ ગયા હતા અને વિદ્યાર્થીને બેન્ચ પરથી ઊભો કરીને થપ્પડ મારી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીએ પણ ગુસ્સો ગુમાવી શિક્ષક પર હાથ ઉપાડ્યો હતો, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો.આ ઘટના બાદ વર્ગખંડમાં ગુરુ-શિષ્ય વચ્ચે છૂટા હાથે મારામારી થતાં અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. વર્ગમાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ વચ્ચે પડીને બંનેને છોડાવ્યા હતા.
ત્યારબાદ વિદ્યાર્થીના વાલીને બોલાવીને માફી મંગાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને શાળામાંથી એલસી (લિવીંગ સર્ટિફિકેટ) આપી દેવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર વિષયના શિક્ષક દિનેશભાઈ ગોસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ ધોરણ ૧૨માં અર્થશાસ્ત્રનો ક્લાસ લઈ રહ્યા હતા. તે દરમિયાન આ વિદ્યાર્થી અર્થશાસ્ત્રના ટેસ્ટમાં ગેરહાજર હતો.
આ બાબતે તેની સાથે વાત કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને એક થપ્પડ મારી હતી, જેના પછી તેણે તેમના પર હુમલો કર્યાે હતો. અન્ય વિદ્યાર્થીઓએ વચ્ચે પડીને તેમને બચાવ્યા હતા.SS1MS