Western Times News

Gujarati News

જમાના બદલાતા લોકોના સંયુક્ત કુટુંબમાં પણ હવે ભાગલા પડતા ગયા

AI Image

પહેલાનાં જમાનામં પરિવાર નિયોજનનો વિચાર ન હોવાથી પોતાના પરિવારનો વિસ્તાર બહોળો હોવા છતાં એક જ કુટુંબના સભ્યો એક જ ઘરમાં રહેતા તથા એક બીજાને પૂરેપૂરો સહકાર આપીને પ્રેમથી સાથે રહેવામાં આનંદ તો મેળવતા હતા

પરંતુ સાથે સાથે પરિવારનાં કોઈક સભ્યો માંદગીમાં પટકાય તો તે પણ સચવાઈ જતાં હતા ને કોઈની પણ તકલીફમાં અરસપરસ મદદરૂપ રહેતા હતા. બહારથી કોઈ પણ વ્યક્તિ સંયુક્ત કુટુંબમાં દખલગીરી કરી શકતી નહિ અને કરે તો પણ પરિવાર એક જ થઈને સામનો કરતું હતું.

પહેલાનાં વખતમાં વડિલોનું પૂરેપૂરું માન જળવાઇ રહેતું હતું તથા વડીલોનો આદેશ માથે ચડાવતા હતાં. તેમનો પડેલો બોલ ઝીલી લેવાતો હતો. પહેલાનાં જમાનામાં પરિવાર સુખી હતા તથાલોકો ગામડામાં ધંધો કરતા પરિવારનં સભ્યો એક જ ધંધામાં સાથે રહીને પૂરેપૂરી મહેનત કરી કમાતા તથા આનંદ કિલ્લોથી રહેતા હતાં.

પરંતુ જમાના બદલાતા લોકોના વિચારોમાં આસમાન જમીન જેટલો ફરક પડતો ગયો અને ધીરે ધીરે સંયુક્ત કુટુંબમાં ભાગલા પડતા ગયા. આધુનીક વિચારો, બદલાતી રીતભાત તથા વિવિધ ઉદ્યોગો અને કારખાનાઓ વધતા ઘણા લોકો ગામડામાંથી શહેરમાં પોતાનું નસીબ અજમાવવા હિજરત કરતા કરતા ભાઈભાઈઓનાં ઘરો જુદાં માંડલા લાગ્યા અને ધંધા-પાણી પણ અલગ થતા જીવન નિર્વાહનાં ખરચ-પાણી વધતા ગયાં. એક રસોડાના ચાર રસોડા થયા તેમ તેમ બધા ભાઈ-ભાઈઓનાં ઘરમાં બધી વસ્તુઓ વસાવતા ખર્ચો વધતા ગયા.

ધીરે ધીરે જુદા જુદા રહેતા એકબીજાની લાગણીઓનો પ્રવાહ ઓસરતો ગયો અને પોતે પોતાના જ નાના પરિવારમાં રચયાપચ્યા રહેવા લાગ્યા. ધીરે ધીરે રડિયો, ટી. વી., વિડીયો જેવા આધુનિક માધ્યમો ઘર ઘરમાં વસાવવાથી દુનિયાની અન્ય વ્યક્તિઓનં વિચારો પોતાનામાં ઘર કરવા લાગ્યા ને તેઓ ભૌતિકસુખનાં આકર્ષણથી ખેંચાવા લાગ્યા અને ભૌતિકસુખ ભોગવવામાં ખર્ચા પણ વધતા ગયાં.

ધીમે ધીમે પરિવારમાં પેઢીની વૃદ્ધિ થતા સભ્યોના વિચારો જુદા તરી આવતા વિચારોમાં ઘર્ષણ થવા માંડ્યુ ને કુટુંબમાં તડફડ થવા લાગી. શહેરમાં જગ્યાનાં ભાવ વધતા લોકો શહેરથી દૂર પરા વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયાં. આમને આમ એક જમાનાના સંયક્ત પરિવારનાં સભ્યો ધીરે ધીરે વેરવિખર થતાં ગયા. લોકોનો પોતાના મૂળ પરિવારના સભ્યો જોડે લાગણીનો પ્રવાહ ઓસરતો ગયો અને પોતાનામાં જ મસ્ત રહેવા લાગ્યા. સંપ પણ તૂટતો ગયો. મોંઘવારી વધતી ગઇ અને લોકો પોતાના ઘરના ખર્ચાનો જ વિચાર કરતા રહ્યા.

આ જમાનામાં સંયુકત કુટુંબનાં ભાગલા પડવાથી એક જ પરિવારનાં સભ્યો દૂર દૂર રહીસહી લાગણી પણ શમતી ગઈ. આ જમાનામાં લોકો પોતાના કુટુબીજનો કરતા પોતાના દોસ્તોની ગણતરી કરીને સંબંધ વધારવા લાગ્યા. આજકાલ કોઈ પણ પ્રસંગે પરિવારના સભ્યોને આમંત્રણ મોકલવા ખાતર મોકલતા પણ પોતાના વેપારી મિત્રકે ભાઈબંધ, ધંધાકિય સંબધિતની વ્યક્તિઓને વધારે મહત્વ આપીને ખાસ આગતાસ્વાગતા કરવામાં આવે છે.

વ્યક્તિ જ્યારે આર્થિક રીતે ભીંસાતી હોય છે ત્યારે મિત્રવર્ગ જ્યાં લોહીની સગાઈ હોતી નથી તેઓ દૂર જ રહે છે પરંતુ સંકટ સમયે પોતાના પરિવારના સભ્યો જ મદદરૂપ થવા તૈયાર થાય છે તે લોકો ભૂલી જાય છે. સંયુક્ત પરિવારમાંથી ભાઈ-ભાઈ કે બાપ-બેટા એકબીજાથી કોઈ પણ કારણોસર સંજોગાવશ છૂટા થઈ જતાં જુદા જુદા ધર મંડાતા ખાવા-પીવાની ચીજથી માંડીને રાચરચીલું, કપડાલત્તા, ઘરવખરી કે કોઈ પણ સાધનો વસાવવામાં પોતાની ઈચ્છા મુજબ પોતાનું ધાર્યું કરી શકાતા ભાઈ-ભાઈ કે બાપ-બેટા વચ્ચે મતભેદનો અવકાશ રહેતો નથી. છૂટા પડીને બીજું ઘર મંડાતા ભાઈ કે દીકરો ધરનો રાજા બની જતાં તેની પત્નિ કે તેના દીકરાની જોડે વિચારવમર્શ કરીને ધારેલી કામના પૂરી કરીને શાંતિ મેળવે છે.

સંયુક્ત પરિવારમાં જુદા જુદા કુટુંબમાંથી આવેલી વહુઓના વિચારો અલગ અલગ હોવાથી અવારનવાર મતભેદ થતા ઘરમાં કલહ થાય છે અથવા વડીલની જોહુકમી વર્તનથી દીકરા-વહુ છૂટા પડવા નિમિત્ત શોધવા મંથે છે. જ્યારે મતભેદનો ઉકેલ ન આવતા ઘરમાં જ મહાભારત રચાઈ જતા વાર લાગતી નથી અને ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે. કલહ-કંકાસથી બચવા પ્રેમથી, એકબીજાની સંમતિથી છૂટા પડાતા એકબીજાનો પ્રેમ અતૂટ રહે છે. જ્યારે ભાઈ -ભાઈનાં ઘરો જુદા મંડાયા હોય તે છતાં સંયુક્ત કુટુંબની ભાવના ભાવતા તથા એકબીજા માટે સમભાવ રાખવામાં આવે અને ત્યાગવૃત્તિને અપનાવવાથી જુદા રહેતા ભાઈ-ભાઈના પરિવારમાંશઆનંદની લહેર ઉછળતી રહે છે.

અમુક અમુક દિવસોને આંતરે ભાઇ-ભાઈનાં પરિવારનાં બધા સભ્યો એકબીજાને ઘરે હળીમળીને, વિચાર-વિનિમય કરતા કરતા, હસતા-રમતા, જમતા-જમતા, જાત્રા કરતા, પ્રેમનો ઉમળકો છલકાયા વગર રહેશે નહિ તથા ભાઈ-ભાઈઓનાં છોકરાઓમાં પણ કુટુંબ ભાવના જળવાઈ રહે છે. વિભક્ત કુટુંબ હોવા છતાં સંયુક્ત કુટુંબનો અહેસાસ થયા વિના રહેતો નથી અને અરસ-પરસ એકબીજા માટે આત્મિયતા બંધાઇ રહે છે.

અલબત્ત હજી પણ સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારના સભ્યો સ્વાર્થવૃત્તિને તિલાંજલિ આપીને, કુટુંબભાવના તથા ખેલદિલી અપનાવતા કારમી મોંઘવારીથી બચી શકે છે ને એકબીજાનો સહારો હોવાથી હિમંત પણ રહે છે. કુટુંબજનની કોઈ પણ તકલીફમાં પરિવારનાં સભ્યો એકબીજા સાથે ખડે પગે રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.