મારા ઘરમાં જ મારું શોષણ થાય છે, મને ઘરમાં ત્રાસ અપાય છે: તનુશ્રી દત્તા

મુંબઈ, નાના પાટેકર પર ‘મી ટુ’ ના આરોપો માટે અગાઉ ઘણી ચર્ચામાં રહેલી એક્ટ્રેસ તનુશ્રી દત્તા ફ્રી એક વાર આવા જ કોઈ મુદ્દે ચર્ચામાં છે. પોતાના સોશિયલ મીડિયા પર એક રડતો વિડિઓ શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વિડિઓમાં ખુલાસો કર્યાે હતો કે તેને પોતાનાં જ ઘરમાં ત્રાસ આપવામાં આવી રહ્યો છે.તેણે કહ્યું કે તેના પર વર્ષાેથી ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે, હવે પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી ગઈ છે કે તેણે મંગળવારે પોલીસ ફરિયાદ કરવી પડી છે. આ વીડિયોમાં તેણે લોકો પાસે મદદ પણ માગી છે.
તનુશ્રીએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લાઇવ વિડીયો કરીને કહ્યું, “દોસ્તો, મારા પોતાનાં ઘરમાં મારું શોષણ કરવામાં આવે છે. મને મારા પોતાનાં જ ઘરમાં હેરાન કરવામાં આવે છે.
મેં પોલીસ બોલાવી અને મને પોલીસ સ્ટેશન જઇને યોગ્ય ફરીયાદ નોંધાવવા કહેવાયું છે. હું કદાચ કાલે જઈશ અને એવું કરીશ, આજે મને સારું નથી. મને છેલ્લા ચાર પાંચ વર્ષમાં એટલી હેરાન કરવામાં આવી છે કે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે.
હું કંઈ જ કરી શકતી નથી, મારું ઘર પણ અસ્ત વ્યસ્ત છે. “ આગળ તનુશ્રીએ જણાવ્યું,”હું ઘરમાં કામવાળી પણ રાખી શકતી નથી કારણ કે એમણે મારા ઘરમાં એમની માનિતી કામવાળી ગોઠવી હતી.
મને કામવાળાનો એટલો ખરાબ અનુભવ થયો છે કે એ લોકો ગમે ત્યારે ઘરમાં આવતાં, વસ્તુઓ ચોરી લેતાં અને ઘણું બધું. મારે મારું બધું કામ જાતે કરવું પડે છે અને એ લોકો મારા બારણા બહાર આવીને.. “ પછી તે કોઈની ઓળખ જાહેર કરવા ન માગતી હોય એમ વચ્ચે જ અટકી ગઈ.
તેણે છેલ્લે એટલું જ કહ્યું,”મને મારા ઘરમાં જ ત્રાસ આપવામાં આવી રહ્યો છે, કોઈ મહેરબાની કરીને મને મદદ કરો. “આ વીડિયો પોસ્ટ કરતાં કૅપ્શનમાં લખાયું હતું,” હું બીમાર છું અને આ ત્રાસથી કંટાળી ગઈ છું.
૨૦૧૮માં મી ટુથી આ બધું ચાલે છે. આજે ગળે આવીને અંતે મેં પોલીસ બોલાવી. કોઈ મહેરબાની કરીને મને મદદ કરો. બહુ મોડું થઈ જાય એ પહેલાં કંઇક કરો. “તનુશ્રી દત્તાએ ૨૦૧૮માં નાના પાટેકર વિરુદ્ધ શોષણની ફરીયાદ કરી હતી, ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના શૂટિંગ વખતે તેની સાથે શોષણ થયાનો દાવો હતો. તેણે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશનમાં પણ આ અંગે ફરિયાદ કરી હતી.
આ ઉપરાંત તેણે ચોકલેટ ફિલ્મ વખતે ઇરફાન ખાનની હાજરીમાં ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તેને કપડાં કાઢીને ડાન્સ કરવાનું કહ્યું હોવાની પણ ફરિયાદ કરી હતી. જોકે નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રીએ આ દાવા નકારી કાઢ્યા હતા.SS1MS