SVP હોસ્પિટલમાં લીવર કેન્સરથી પીડિત ત્રણ બાળકોને નવજીવન મળ્યું

ત્રણ બાળકોએ મોત સામે ઝીંક ઝીલીને જીતી લીધી જિંદગી-સર્જરીમાં ૮ મહિનાની બાળકી, ૫ વર્ષનો બાળક તેમજ અન્ય એક ૧૨ વર્ષના બાળકનો સમાવેશ
ખાનગી હોસ્પિટલમાં રૂ. ૪થી ૫ લાખ ખર્ચે થાય છે, તે સર્જરી એસવીપી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હેઠળ બે બાળકો માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક થઈ
પાંચ વર્ષના બાળકની એક કરોડ બાળકોમાંથી માત્ર એકમાં જોવા મળતા લીવરના અત્યંત દુર્લભ અને જટિલ કેન્સર – એમ્બ્રાયોનલ સારકોમાની સર્જરી થઈ
એસવીપી હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં આ પ્રકારની ૭ દુર્લભ સર્જરી સફળતાપૂર્વક કરી
Ahmedabad, કેન્સર.. નાનો શબ્દ, પણ દર્દ અને ડરથી ભરેલો. જ્યારે એ શબ્દ બાળક માટે બોલાય, ત્યારે તે પીડા, વેદના અને આશાના મધ્યે ઊભો રહે છે એક પરિવાર. અમદાવાદની એસવીપી હોસ્પિટલ જ્યાં આવા જ ત્રણ પરિવારોને આશાનું નવું કિરણ મળ્યું છે. એક ૮ મહિનાની બાળકી, બીજો ૫ વર્ષનો બાળક અને ત્રીજો ૧૨ વર્ષનો છોકરો.. આ ત્રણેય દુર્લભ પ્રકારના લીવર કેન્સરથી પીડિત હતાં, તેમની આ સફળ કહાણી આજે અનેક લોકોને હિંમત આપે એવી છે.
દર્દીઓ પહેલા કેમોથેરાપી માટે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ હતાં, ત્યાર બાદ તેઓને સર્જરી માટે SVP હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં મોકલવામા આવ્યા હતા. અહીં ડૉ. સુધીર ચંદના (વિભાગ પ્રમુખ), ડૉ. ઉર્વીશ પરીખ અને ડૉ. રામેન્દ્ર શુક્લા અને તેમની ટીમે માત્ર સર્જરી નહિ પણ વિશ્વાસની નવી આશા જગાવી છે. આમ, એસવીપી ટીમ દર્દીઓ માટે આશાની કિરણ બની હતી. આ તમામ બાળકો હવે તંદુરસ્ત છે અને સામાન્ય જીવન જીવી શકે એવી સ્થિતિમાં છે.
ડૉ. સુધીર ચંદના સહિતના ડૉક્ટરોની ટીમે માત્ર આ સર્જરી નહીં, પરંતુ વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૭ દુર્લભ બાળકોના કેસ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. આ બાબતને લઈને દેશના અન્ય પીડિયાટ્રિક સર્જનોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, સરકારી હોસ્પિટલમાં આવી દુર્લભ ટ્યુમર સર્જરી આટલી મોટી સંખ્યામાં થઈ રહી છે.
સૌથી ખાસ વાત એ પણ છે કે, આ પ્રકારની સર્જરી ખાનગી હોસ્પિટલમાં રૂ. ૪થી ૫ લાખ ખર્ચે થાય છે, તે સર્જરી એસવીપી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અંતર્ગત બે બાળકો માટે સંપૂર્ણપણે કોઈપણ ચાર્જ લીધા સિવાય કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકોમાં જોવા મળતું લીવર કેન્સર એટલે કે હેપાટોબ્લાસ્ટોમા (Hepatoblastoma) સામાન્ય રીતે ખૂબ જ દુર્લભ હોય છે. તેનો ઇલાજ સમયસર થાય તો બાળકો સામાન્ય જીવન જીવવા લાગતાં હોય છે. સર્જરી સમયે અતિચોકસાઇ, અનુભવી ટીમ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોય છે, જે બધું એસવીપી હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે.
જીવનમરણ વચ્ચે લડ્યા નાનકડાં તારા
૮ મહિનાની બાળકી જે સૌથી નાની દર્દી, જેણે જીવલેણ કેન્સર સામે લડત આપી હતી. તેના લીવરનો જમણો ભાગ કાઢી નાખવામાં આવ્યો અને તે હવે તંદુરસ્ત થઈ રહી છે. પાંચ વર્ષનો બાળક જે દુનિયાભરમાં એક કરોડ બાળકોમાંથી એકમાં જોવા મળતું દુર્લભ કેન્સર — એમ્બ્રાયોનલ સારકોમા — ધરાવતો હતો. સર્જરી અત્યંત જટિલ હોવા છતાં સફળતાપૂર્વક સંપન્ન થઈ શકી છે.
૧૨ વર્ષનો બાળક જેની ચાર વર્ષ પહેલાં ટ્યુમર માટે સર્જરી થઈ હતી, પણ કેન્સર ફરી પાછું આવ્યું. આ રી-ડુ સર્જરી ઘણી જ જોખમભરી હોવા છતાં એસવીપી હોસ્પિટલના બાળ સર્જરી વિભાગની ટીમે સફળતાપૂર્વક સર્જરી કરી હતી.