Western Times News

Gujarati News

શિક્ષકોને કોઇપણ જવાબદારી સોંપતા  પૂર્વે શિક્ષણ વિભાગના અગ્ર સચિવની મંજૂરી લેવી પડશે

प्रतिकात्मक

ઘેલા સોમનાથ મંદિર ખાતે 10થી વધુ શાળાઓના 48 પ્રાથમિક શિક્ષકોને VVIPની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે રાજ્યના શિક્ષકોને આવી અન્ય કોઇપણ જવાબદારી સોંપવી એ બિલકુલ અયોગ્ય: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા

શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવા સૂચનાં આપી

Ahmedabad, રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારીશ્રી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર ધ્યાને આવતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરવાના આદેશ આપ્યા છે.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે 2025માં ઘેલા સોમનાથ ખાતે યોજાનારા શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું હતું. જસદણ પ્રાંત નાયબ કલેક્ટરે જસદણના શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો. હુકમ મુજબ આજુબાજુની 10થી વધુ શાળાઓના 48 પ્રાથમિક શિક્ષકોને VVIPની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી. ત્યારે હવે ભારે વિવાદ થતાં આ વિવાદાસ્પદ હુકમને રદ કરાયો છે.

આ સંદર્ભે પોતાનો પ્રતિભાવ આપતા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પરિપત્ર કરીને આવી કોઈપણ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી એ ઉચિત નથી.

તેમણે ઉમેર્યું હતું કેભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી નિર્ધારિત કરાયેલી ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ફરજ સિવાયની કોઇપણ અન્ય જવાબદારી રાજ્યના શિક્ષકોને ભવિષ્યમાં સોંપવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન થાય તે માટે ભવિષ્યમાં શિક્ષકોને અન્ય કોઇપણ જવાબદારી સોંપવા પૂર્વે ગાંધીનગર શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી સાથે સંકલન કરવાનું રહેશે.       

આ ઘટના સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર સાથે ટેલીફોનીક વાતચીત કરીને જરૂરી કાર્યવાહી કરવા તેમજ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરાવવા સૂચના આપી હતી. સાથે જ તેમણેભવિષ્યમાં શિક્ષકોને અન્ય જવાબદારી સોંપતા આવા કોઈ આડેધડ પરિપત્રો ન થાય તે અંગે અગ્ર સચિવશ્રીનું વિશેષ ધ્યાન દોર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.