SP રિંગ રોડ પર થલતેજ અને ચાંદખેડામાં પાણીની ટાંકીઓ બનાવવામાં આવશે

વર્ટિકલ ડેવલપમેન્ટ ને ધ્યાનમાં લઈ કરવામાં આવેલ નિર્ણય
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘરે ઘરે નર્મદા ના પાણી સપ્લાય કરવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે નવા વિસ્તારમાં પાણી ની ટાંકીઓ બનાવવા આવી રહી છે. તેમજ જુના વિસ્તારોમાં જૂની જર્જરિત ટાંકી તોડી તેના સ્થાને નવા વો.ડી.સ્ટેશન પણ તૈયાર થઈ રહયા છે.
શહેરના એસ.પી.રિંગ રોડ પર ગોતા-ગોધવી કેનાલ ની આસપાસ ના રહીશો તેમજ ચાંદખેડા ગામ પાસે પણ આવા જ આશય થી નવી ટાંકી બનાવવા ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે.
પશ્ચિમઝોનના ચાંદખેડા વોર્ડમાં ચાંદખેડા ગામ થી સરદાર પટેલ રીંગ રોડ બાજુ ટી.પી.-૭૫ માં ખૂબ જ મોટા પ્રમાણમાં વર્ટીકલ ડેવલપ થઈ રહેલ છે. હાલમાં સદર વિસ્તારમાં રહિશો દ્રારા ખાનગી બોરવેલ મારફતે ભૂગર્ભજળનો વપરાશ કરવામાં આવે છે. તથા ચાંદખેડા ગામ વિસ્તારમાં શ્રીનાથ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી સ્ટેગર્ડ સપ્લાય આપવામાં આવે છે
જેમાં ઓછા પ્રેશરથી પાણી મળવાની ફરીયાદો આવે છે. જેથી ચાંદખેડા ટી.પી.-૭૫ માં નવા વિકાસ થતા વિસ્તારમાં નર્મદાનું શુધ્ધ પાણી પુરું પાડવા વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવો જરૂરી હોઈ તેમજ ચાંદખેડા ગામમાં પાણીની ફરીયાદોના નિવારણ માટે સદર વિસ્તારની પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી
ચાંદખેડા ટી.પી.-૭૫, અંતિમ ખંડ નં. ૮૧ માં ૬૪ લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા ૨પલાખ લીટરની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. સદર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી ભવિષ્યમાં થનાર વિકાસ પ્રમાણે આશરે ૫૦૦૦૦ જેટલી વસ્તીને નર્મદાનું શુધ્ધ પાણી પુરુ પાડી શકાશે. આ ટાંકી બનાવવા માટે રૂ.24.59 કરોડ નો ખર્ચ થશે.
ઉત્તર પશ્વિમઝોનના થલતેજ વોર્ડમાં સરદાર પટેલ રીંગ રોડ થી ગોતા ગોધાવી કેનાલ તથા તેની આસપાસના વિસ્તારમાં વચ્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં વર્ટીકલ ડેવલપ થઈ રહેલ છે. હાલમાં આ વિસ્તારના રહિશો દ્રારા ખાનગી બોરવેલ મારફતે ભૂગર્ભ જળનો વપરાશ કરવામાં આવે છે.આ વિસ્તારમાં નર્મદાનું શુધ્ધ પાણી પુરું પાડવા વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવો જરૂરી હોઈ
પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી શીલજ-આંબલી ટી.પી.-૪૦૫, અંતિમ ખંડ નં. ૩૪૫/૧+૩૪૫/૨ માં ૧૧૧ લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા ૨૦લાખ લીટરની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા માટે નિર્ણય કર્યો છે. આ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી ભવિષ્યમાં થનાર વિકાસ પ્રમાણે આશરે ૬૫૦૦૦ જેટલી વસ્તીને નર્મદાનું શુધ્ધ પાણી પુરુ પાડી શકાશે.