વરસાદથી બચવા માટે ઝાડ નીચે ઉભેલા યુવક પર ઝાડની ડાળી પડતાં મોત

AI Image
ચાલું વરસાદે ચાની લારી પાસે ઝાડની ડાળી પડવાથી ગંભીર અકસ્માત સર્જાયો -વરસાદથી બચવા માટે ઝાડ નીચે ઉભેલા ૩૬ વર્ષના યુવક પર લીમડાના ઝાડની ડાળી તૂટી પડતાં તેનું મોત થયું છે
વડોદરા, કુદરતની આકાશી આફતથી બચવા ઝાડ નીચે સહારો લીધો અને ત્યાં મોત બનીને ઝાડની ડાળી પડી. આવી જ એક દુઃખદ ઘટના પાદરા તાલુકામાં આવેલા કુરાલ ગામની ચોકડી પાસેથી સામે આવી છે. જ્યાં વરસાદથી બચવા માટે ઝાડ નીચે ઉભેલા ૩૬ વર્ષના યુવક પર લીમડાના ઝાડની ડાળી તૂટી પડતાં તેનું મોત થયું છે. જેથી પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગંભીર ધટનામાં જીવ ગુમાવનારની ઓળખ ચંદ્રવિજય વિજયશંકર પાંડે તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને અહીં પાદરા નજીક ગવાસદ ગામે શિવશક્તિ રેસિડેન્સીમાં રહેતો હતો. ચંદ્રવિજય અહીં ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો અને હાલ પાદરા નજીક નવા બની રહેલા ફોર-લેન રોડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો.
ઘટનાના દિવસે, ચંદ્રવિજય બાઈક પર કુરાલ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક વરસાદ શરૂ થતાં તેણે ચોકડી નજીક લીમડાના ઝાડ નીચે આવેલી ચાની લારી પર આશરો લીધો હતો. જ્યારે તે ચા પી રહ્યો હતો, ત્યારે ઝાડની એક મોટી ડાળી તૂટીને તેના પર પડી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ડાળી નીચે દબાયેલા ચંદ્રવિજયને બહાર કાઢવા માટે જેસીબી, હાઈડ્રા અને જેક જેવા સાધનોની રેસક્્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેથી થોડી જ વારમાં ચંદ્રવિજયને અત્યંત ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ગંભીર ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તાર અને મૃતક ચંદ્રવિજયના પરિવારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. ત્યારે ખાસ કરીને વરસાદી માહોલમાં ઝાડ નીચે આશરો લેવો જોખમી સાબિત થઈ શકે છે, તેવી શીખ આ ઘટનાએ આપી. સાથે જ રસ્તાઓની આસપાસના વૃક્ષોની સુરક્ષા અંગે તંત્રએ ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવી જોઈએ અને જરુરી પગલા લેવા જોઈએ. જેથી આવી દુઃખદ ઘટનાઓ બનતી અટકી શકે.