વડોદરામાં અસામાજિક તત્વો બસ સ્ટેશન પર બેફામ બન્યા

મકરપુરા ડેપોમાં ૨૦ જેટલા યુવકોએ જાહેરમાં મારામારી કરીને આતંક મચાવ્યો -યુવકોને કોઈ કાયદો લાગુ જ ન પડતો હોય તેમ દાદા બનીને લોકોમાં ભય ઉભો કરવા જાહેર ડેપોને યુદ્ધનું મેદાન સમજીને મારામારી કરીને આતંક મચાવ્યો હતો
વડોદરા, ફરી એક વાર વડોદરામાં લૂખા તત્વોએ જાહેરમાં મારામારી કરીને કાયદાનો ભંગ કર્યો છે. વડોદરાના મકરપુરા ડેપોમાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ૨૦ જેટલા ટપોરી યુવકોએ પોતાની કોઈ અંગત બાબતે બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાએ છુટા હાથે મારામારી કરીને સ્થાનિકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ટપોરી જેવા દેખાતા યુવકોને કોઈ કાયદો લાગુ જ ન પડતો હોય તેમ દાદા બનીને લોકોમાં ભય ઉભો કરવા જાહેર ડેપોને યુદ્ધનું મેદાન સમજીને મારામારી કરીને આતંક મચાવ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો એક જાગૃત નાગરીક દ્વારા વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જેને કારણે આ ટપોરીઓની ગુંડાગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આવા લૂખા તત્વો જાહેરમાં જ્યારે આવી કરતૂત કરે છે ત્યારે આવા નબિરાઓની સામે કાયદાકીય રીતે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી સ્થાનિકોની અપીલ હોય છે. આવા અસામાજીક તત્વોને કાયદાના પાઠ શિખવવા અનિવાર્ય બને છે.
તદઉપરાંત આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સ્પષ્ટ પણે દેખવા મળે છે કે કઈ રીતે આ ટપોરીઓ વાતચીત કરતા કરતા હિંસક રૂપ ધારણ કરી લેતા હોય છે. આવા ટપારીઓ પોતાનો રોફ જમાવવા અને લોકોમાં ભય ફેલાવવા માટે આવી કરતૂતો કરતા હોય છે. જેના કરણે જાહેર જનતાને તેમની દાદાગીરીનો ભોગ બનવાનો વારો આવતો હોય છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે આ નબીરાઓની શોધખોળ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.