પેચવર્ક ટકાઉ થાય તે માટે વડોદરા મ્યુ. કોર્પોરેશન ચારેય ઝોનમાં કોમ્પ્રેશર મશીન ખરીદશે

પ્રતિકાત્મક
બેઠકમાં ચર્ચા દરમિયાન અધ્યક્ષએ રોડ પર પડેલા ખાડાઓ અને પેચવર્કની કામગીરીનો પણ રીવ્યુ લીધો હતો
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ દ્વારા કોર્પોરેશનના ડ્રેનેજ, ગટર, બ્રિજ, પાણી, રોડ વગેરેની કામગીરી સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા દરમિયાન અધ્યક્ષએ રોડ પર પડેલા ખાડાઓ અને પેચવર્કની કામગીરીનો પણ રીવ્યુ લીધો હતો.
રોડ પર પડતા ખાડા બાદ પેચવર્કની જે કામગીરી કરવામાં આવે છે તે વધુ ટકાઉ બને તે માટે કોર્પોરેશનના ચારેય ઝોનમાં કોમ્પ્રેશર મશીનો ખરીદવા કહ્યું હતું.
વડોદરા કોર્પોરેશનના વર્તુળો જણાવે છે કે રોડ પર ખાડા અને ડામર પુરાણ માટે ઇજારદારો દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવે છે, તેમાં તેઓ ડામર કામ કરતા અગાઉ કોમ્પ્રેસર મશીન ચલાવીને ખાડામાં પડેલી ધૂળ અને કચરો સાફ કરી ખાડો ચોખ્ખો કરે છે, અને ત્યારબાદ ડામરનું મટીરીયલ પાથરે છે, અને રોલર ચલાવે છે.
જ્યારે કોર્પોરેશનના વોર્ડ દ્વારા કામગીરી કરવામાં આવે છે, ત્યારે કોમ્પ્રેસર મશીન નહીં હોવાથી ખાડામાં પડેલી ધૂળ અને કચરો ઝાડુથી સાફ કરે છે. જેમાં બધી ધૂળ નહીં નીકળતા તેના પર ડામર પાથરીને રોલર ચલાવ્યું હોવા છતાં ડામર ચોંટતો નથી. પેચ વર્ક ટકાઉ થયું નહીં હોવાથી ઉખડી જાય છે. આવું ન થાય તે માટે કોર્પોરેશન પાસે પોતાના કોમ્પ્રેસર મશીન હોવા જરૂરી છે.
દરમિયાન કોર્પોરેશન દ્વારા હાલ ચોમાસામાં રોડ પર પડેલા ખાડા અને રોડ ધોવાણ બદલ રીપેરીંગની અને પેચ વર્કની કામગીરી ચાલુ કરી છે. અત્યાર સુધીમાં ૩૫ કિ.મી રોડ પર આશરે ચાર હજારથી વધારે ખાડાનું પેચવર્ક પૂરું કર્યું છે.