સાબરમતી નદીમાં ડૂબતી માતાને બચાવવા પુત્રએ પણ લગાવી છલાંગ, બંનેના મોત

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં દિવાસાના પવિત્ર દિવસે કરૂણ ઘટના બની છે. દશામાની પૂજા અર્ચના કરવા ગયેલા માતા અને પુત્રનું સાબરમતી નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના અમદાવાદના નોબલનગર પાસે સાબરમતી નદીના કિનારે આવેલા દશામા મંદિરે બની હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કના રહેવાસી સુશીલાબેન અને તેમનો પુત્ર આર્યન દશામાના દર્શન અને પૂજા કરવા માટે નોબલનગર પાસે આવેલા મંદિરે આવ્યા હતા.
મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ સુશીલાબેન સાબરમતી નદીમાં સ્નાન કરવા પડ્યા હતા. સ્નાન કરતી વખતે અચાનક તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. માતાને ડૂબતા જોઈને પુત્ર આર્યન તેમને બચાવવા માટે તુરંત જ નદીમાં કૂદ્યો હતો. જોકે, કમનસીબે માતા-પુત્ર બંને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા નરોડા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી અને આખરે માતા સુશીલાબેન અને પુત્ર આર્યનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા હતા. આ કરૂણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.