Western Times News

Gujarati News

આંગડીયાને લૂંટવાનો પ્રયાસ કરનારા હતા ‘ગુરખા’, ‘ઘોડા’ અને ‘ખીસકોલી’

ગાંધીધામમાં રૂ.૨૦ લાખની લૂંટનો પ્રયાસઃ ત્રણ ઝડપાયા

(એજન્સી)ભુજ, ગાંધીધામમાં એક આંગડિયા વેપારી પર ૨૦ લાખ રૂપિયાની લૂંટ કરવાના પ્રયાસમાં પોલીસે ત્રણ આરોપીઓને ૨૪ કલાકમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને આ લૂંટનું કાવતરું ઘડ્યું હતું.

ગાંધીધામના મીઠોરોહર હાઈવે પર રાધે કોમ્પ્લેક્સમાં રાજુભાઈ રસિકલાલ ઠક્કર ઘનશ્યામ ટેલિકોમ નામની આંગડિયા અને મની ટ્રાન્સફરની પેઢી ચલાવે છે. સોમવારે, રાજુભાઈ બજારમાંથી ૨૦ લાખની રોકડ રકમ લઈને તેમની દુકાને પહોંચ્યા ત્યારે તેમના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

જોકે, વેપારીએ સમયસૂચકતા વાપરીને રૂપિયા ભરેલો થેલો બાજુની દુકાનમાં ફેંકી દીધો અને બૂમાબૂમ કરી. આસપાસના વેપારીઓ ઘટનાસ્થળે પહોંચી જતાં હુમલાખોરો કારમાં નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત રાજુભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અધિક્ષક સાગર બાગમારે તુરંત જ નાકાબંધી કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ અને લૂંટારુઓની કાર જે દિશામાં ભાગી હતી તે દિશાના સીસીટીવી ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ બલેનો કાર કચ્છ બહાર માળિયા તરફ જતી હોવાનું જણાયું હતું. જેને પગલે પોલીસે સામખિયાળી પાસેથી આ કારને અટકાવીને લૂંટમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા.

પકડાયેલા આરોપીઓમાં મીઠોરોહર ગામના અબ્દુલ ઉર્ફે ‘ગુરખો’ આમદ સોઢા, મીઠીરોહર ગામના અસલમ ઉર્ફે ઈકબાલ ઉર્ફે ‘ખીસકોલી’ હારૂન કેવર, અને જૂના કંડલા ગામના મામદ ઉર્ફે ‘ઘોડો’ બાવલાભાઈ મથડાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.

આરોપીઓ પૈકી ‘ગુરખા’ અને ‘ખીસકોલી’એ છરી વડે હુમલો કર્યાે હતો, જ્યારે ત્રીજા આરોપી ‘ઘોડા’એ લૂંટમાં વપરાયેલી બલેનો કાર ચલાવી હતી. આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને રેકી કરીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.