પંચમહાલ કોંગ્રેસ દ્વારા 4 મુદ્દાઓને લઈ ભારે સુત્રોચાર કરી રેલી કાઢી: આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ચાર મહત્વપૂર્ણ પ્રશ્નોને ધ્યાનમાં લઈને રેલી સ્વરૂપે જુલૂસ યોજવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલી સર્કિટ હાઉસથી શરૂ કરીને કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો, યુવા નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં નીચેના ચાર મુખ્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતાઃ
૧. પત્રકાર જગદીશ મહેતા અને દેવુસિંહ ચૌહાણના વિવાદાસ્પદ નિવેદનઃ બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રાખવામાં આવી છે.
૨. ગોધરા-અમદાવાદ હાઈવેની ખસ્તાહાલ સ્થિતિઃ ખાસ કરીને ભારે ખાડાઓને લઈને તાત્કાલિક યોગ્ય મરામત અને માર્ગસુધારાની માંગ કરવામાં આવી છે.
૩. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારઃ યોજનામાં થયેલા ગેરરીતિની તપાસ કરીને દોષિત અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
૪. જવાબદારી નિર્ધારણઃ તમામ મુદ્દાઓ અંગે જવાબદાર તંત્ર સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જનહિત માટે કાર્યવાહી થાય એવી માગ કરાઈ છે.રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિવિધ નારા લગાવાયા અને જાહેર જનતાના હિતમાં તંત્રએ તાત્કાલિક પગલાં લે એવી માંગ સાથે દબાણ બનાવાયું હતું.
આવેદનપત્રમાં એ પણ સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે..