નર્મદા જિલ્લાની મહિલાઓ દેશી શાકભાજીનું વેચાણ કરી આત્મનિર્ભર બની

રીંગણ, ચોળી, ભીંડા, કારેલા, કંકોડા અને મકાઈનું વેચાણ કરી રોજગારી મેળવતી આમલી ગામની સ્થાનિક મહિલાઓ
રાજપીપલા, નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાના આમલી ગામની આદિવાસી મહિલાઓ દેશી તાજા લીલા-શાકભાજીના વેચાણથી ઘરઆંગણે આત્મનિર્ભર બની છે. રાજપીપળા વન વિભાગના સહયોગથી સ્થાનિક બહેનો-મહિલાઓ દેશી લીલુ શાકભાજીનું વેચાણ મગફળી, તુવેર, મકાઈ, ટામેટા, કેરી, જાંબુ, ગોરસઆમલી, લીબું જેવા બાગાયતી પાકો તથા કઠોળનું વેચાણ કરી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ બની એક ઉત્કૃષ્ટ દાખલો પુરવાર કર્યો છે.
વનદેવી મહિલા સ્વ સહાય જુથની મહિલાઓ પોતાના પરિશ્રમ સાથે પોતાના વિસ્તારમાં ઉગતા કુદરતી શાકભાજી થકી રોજગારી માટેની ઉત્તમ મિશાલ કાયમ કરી છે. આ સ્થાનિક મહિલાઓ દ્વારા દેશી પદ્ધતિથી ખેતરોમાં તૈયાર કરાયેલ તાજી લીલી ભાજી તેમજ વિવિધ પ્રકારની શાકભાજીઓનું વેચાણ કરે છે.
આમલી ગામની શ્રીમતી મિનાક્ષીબેન વસાવાએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી સિઝન વાઇસની શાકભાજીનો વેચાણ કરી રોજગારી મેળવી છુ, જેમાંથી ઘર-પરિવાર તેમજ બાળકોને ભણવવાના ખર્ચા માટેની આવક મળી રહે છે. વધુમાં જણાવ્યું કે, પોતાના ખેતરમાં સિઝન પ્રમાણે શાકભાજી કરે છે.
જેમાં ખાસ કરીને તુવેર, ટામેટા, ચોળી, કાકડી, રીંગણા, ગુવાર, મકાઈ, મગફળી સહિતની શાકભાજીની ખેતી કરે છે. રસ્તાના બાજુમાં જ એનો વેચાણ કરતા હોય છે જેનો સ્થાનિક સહિત અન્ય જિલ્લાના અને રાજ્યના મુસાફરો ખરીદી કરે છે, જાહેર રજાના દિવસોમાં પ્રવાસીઓ, મુસાફરોની અવરજવર વધતા, શાકભાજીનો વધુ વેચાણ થતું હોય છે.
મહારાષ્ટ્રના મુસાફર શ્રી રાજેશ જોહરી પરિવાર સાથે કુબેર ભંડારી મંદિરના દર્શન અર્થે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં શાકભાજી અને મકાઈના વેચાણ કરતા સ્થાનિકોથી પ્રોત્સાહિત થઈને જણાવ્યુ હતુ કે, ખાતરનો નહિવત ઉપયોગ કરી આદિવાસી વિસ્તારના નાગરિકો લીલીભાજી સહિત વિવિધ શાકભાજીનું વેચાણ કરી રોજગાર મેળવી રહ્યાં છે.
જેમાં કંકોડા, મકાઈ, કારેલા. ચોળીનું વેચાણ કરે છે જે એકદમ ફ્રેશ જોવા મળે છે. તેમજ પ્રવાસીઓ અને મુસાફરોએ બાફેલી અને શેકેલી ફ્રેશ મકાઈ પણ મળી રહે છે. અમો આ વિસ્તારમાં પહેલી વાર આવ્યા છે અને સ્થાનિક લોકોને ઘર-આંગણે રોજગાર મેળતા જોઈને પ્રોત્સાહિત થયા હતાં.
દરેક શાકભાજીનું ઉત્પાદન સંપૂર્ણ રીતે રાસાયણમુક્ત ઓર્ગેનીક અને કુદરતી રીતે પકવેલા હોય છે, જેને કારણે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ મેળવે છે. મહિલાઓ દરરોજ વહેલી સવારે આમલી ગામે આવીને સાંજ સુધી પોતાના ખેતઉત્પાદનનું વેચાણ કરે છે.
હાઈવેના માર્ગે ઉપર પ્રવાસીઓ ટુ વ્હીલર-ફોર વ્હીલરમાં પસાર થતા અને અવર-જવર કરતા સ્થાનિક સહિત આજુબાજુના શહેરીજનો પણ જથ્થાબંધ ખરીદી કરે છે. આ શાકભાજીના વેચાણથી મહિલાઓને ઘર નજીક રહીને કુટુંબની દેખભાળ અને બાળકોને ભણાવવાની સાથે રોજગારી પ્રાપ્ત કરે છે અને પૂરક રોજગારી માટે સ્થાનિક હાટ બજારની ગરજ સારે છે અને રોડ પરથી પસાર થતા લોકોને મનપસંદગીવાળા તાજા વિવિધ લીલા શાકભાજી મળી રહે છે.