ડ્રોન સર્વેમાં શ્રમિકો ગેરહાજર હોવાનું ખુલ્યું: નર્મદા મનરેગા કૌભાંડ-

રાજપીપળા, નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કામોની તપાસ માટે ગાંધીનગરથી ૪પ લોકોની એક ટીમ આવવાની છે ત્યારે નર્મદામાં મનરેગા કૌભાંડમાં ચાલુ કામોના સ્થળે ડ્રોન મોનિટરિંગ દરમિયાન શ્રમિકો ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.
આ બાબતે ગાંધીનગર અધિક ગ્રામ વિકાસ કમિશનરે નર્મદા ડીઆરડીએ કચેરીને પત્ર લખી કસૂરવારો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડું કરવું, રોડ રસ્તા, નાળા સહિત અન્ય વિકાસના કામો થાય છે ત્યારે જિલ્લામાં મનરેગા હેઠળ થતાં આવા વિકાસના કામોના મસ્ટરમાં શ્રમિકોની ખોટી હાજરી બતાવી એ જ શ્રમિકોના નામે પૈસા ઉપાડાતા હોવાની ગંભીર બાબત ગાંધીનગર અધિક ગ્રામ વિકાસ કમિશનર દ્વારા કરાયેલા ડ્રોન સર્વેમાં સામે આવી છે. એક બાજુ મસ્ટરમાં શ્રમિકોની હાજરી બતાવાઈ તો બીજી બાજુ ડ્રોન સર્વેમાં શ્રમિકો ન દેખાતા આ આખા કૌભાંડનો ભાંડો ફૂટયો હતો.
નર્મદા જિલ્લાના સાગબારા, નાંદોદ, ડેડિયાપાડા અને તિલકવાડા તાલુકામાં ગાંધીનગર અધિક ગ્રામ વિકાસ કમિશનર દ્વારા ડિસેમ્બર ર૦ર૪ અને જાન્યુઆરી ર૦રપ દરમિયાન ડ્રોન સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. સર્વે દરમિયાન મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા કામોમાં કામના સ્થળે શ્રમિકોની ગેરહાજરી સામે આવી છે. સ્થળે ન હોવા છતાં શ્રમિકોની હાજરી નોંધી નોંધી ચૂકવણું કર્યું હોવાનું બહાર આવ્યું છે.