પ્રિન્સિપાલે સ્થાનિક તંત્રની રાહ જોયા વિના, રસ્તા પરના ખાડાઓ જાતે જ પૂરવાનું બીડું ઝડપ્યું

File Photo
ભરૂચ, એક પ્રેરણાદાયક ઘટનામાં, એક શિક્ષકે શાળાના ખર્ચે રસ્તાનું સમારકામ કરીને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ શિક્ષકે, સ્થાનિક તંત્રની રાહ જોયા વિના,રસ્તા પરના ખાડાઓ જાતે જ પૂરવાનું બીડું ઝડપ્યું હતું.
જેનાથી દૈનિક મુસાફરી કરતા લોકોને પડતી હાલાકી દૂર થઈ છે.તેમનો આ નિસ્વાર્થ પ્રયાસ દર્શાવે છે, કે કેવી રીતે એક વ્યક્તિ પણ પોતાના નાના યોગદાનથી મોટો ફરક લાવી શકે છે અને અન્યોને પણ સામાજિક જવાબદારી નિભાવવા પ્રેરણા આપી શકે છે.સ્થાનિક નાગરિકો આ શિક્ષકના કાર્યને બિરદાવી રહ્યા છે અને તેને પ્રશંસનીય પગલું ગણાવી રહ્યા છે.
– વર્ગખંડ બહાર પણ સમાજસેવા ઃ શિક્ષકે બિસ્માર રસ્તો રિપેર કરાવ્યો ઃ સામાન્ય રીતે શિક્ષણ કાર્યમાં વ્યસ્ત રહેતા શિક્ષકો સમાજ માટે પ્રેરણાદાયી કાર્યો પણ કરી શકે છે,તેનું ઉત્તમ ઉદાહરણ વાગરાના અસમાં પાર્ક ૩ સ્થિત જુંજેરા વિદ્યાલયના આચાર્ય હિતેશ કુમારે પૂરું પાડ્યું છે. આચાર્ય હિતેશ કુમારે અસમાં પાર્ક ૩ ને જોડતા બિસ્માર માર્ગના સમારકામ માટે અથાગ પ્રયાસો કરીને તેને સાકાર કર્યું છે.
ઘણા લાંબા સમયથી આ મુખ્ય માર્ગ એટલો ખરાબ હતો કે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી.ખાસ કરીને ચોમાસામાં તો આ માર્ગ પરથી પસાર થવું લગભગ અશક્ય બની જતું હતું.ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાએ જવા-આવવા સહિત આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને પણ ઘણી હાલાકી વેઠવી પડતી હતી.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, હિતેશ કુમારનાઓએ આ માર્ગના સમારકામ માટે સંકલ્પ કર્યો હતો. અને તેઓએ પોતાની શાળાના ખર્ચે પુરાણ માટેની સામગ્રીની વ્યવસ્થા કરી હતી. અને તાજેતરમાં જ,આ માર્ગ ઉપર મસ મોટા ખાડાઓનું પુરાણ કરીને સમારકામ કાર્ય કરાયું છે અને હવે તે વાહન વ્યવહાર સહિત રાહદારીઓ માટે પણ સુગમ બન્યો છે.