પગમાં નસ સાથે ચોંટેલી ૨૦.૫ કીલોની ગાંઠને ૮ કલાકની સર્જરી બાદ દૂર કરાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, ભાવનગરમાં રહેતા એક આધેડને પગની નસમાં ગાંઠ થયા બાદ તે સતત વધી રહી હોવાને કારણે આધેડને ચાલવામાં પણ મુશ્કેલી પડવા લાગી હતી. અનેક હોસ્પિટલોમાં પગ કાપવો પડશે તેવું નિદાન થયા બાદ અંતે નડિયાદની મહાગુજરાત હોસ્પિટલમાં દર્દી આવ્યા હતા જ્યાં નિષ્ણાંત તબીબ દ્વારા એક પડકારના ભાગરૂપે ૨૦.૫ કિલોની ગાંઠને ૮ કલાકના ઓપરેશન બાદ દૂર કરવામાં આવી હતી.
નડિયાદની મહાગુજરાત હોસ્પિટલના તબીબો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ડાબા પગમાં નસ સાથે ચોંટેલી ગાંઠ લઈને ફરતા દર્દીને પીડામાંથી મુક્તિ અપાવવામાં આવી હતી. ભાવનગરમાં રહેતા ભરતભાઈ મધુભાઈ ભીલ (ઉંમર વર્ષ ૫૬) ને છેલ્લા પાંચ વર્ષથી ડાબા પગના ભાગે થયેલી ગાંઠ સતત વધતા વધતા પગ કરતા ત્રણ ગણી મોટી થઈ ગઈ હતી.
છેલ્લા બે વર્ષમાં ભરતભાઈએ અનેક હોસ્પિટલોમાં તબીબોની સારવાર લીધી હતી પરંતુ અંતે તબીબો દ્વારા પગ કપાવવાની જ સલાહ આપવામાં આવતી હતી. ગત તારીખ ૧૦ જુલાઈ ના રોજ ભરતભાઈ નડિયાદની મહાગુજરાત હોસ્પિટલના વાસ્ક્યુલર સર્જન ડો. બિરજુ શાહને મળ્યા હતા.
એક ચેલેન્જના ભાગરૂપે વાસ્ક્યુલર સર્જન દ્વારા ભરતભાઈ ને દાખલ કરવામાં આવ્યા હતા અને જરૂરી તમામ ટેસ્ટ કર્યા બાદ પાંચ તબીબોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં કેન્સર સર્જન ડો. આદિત્ય જોશીપુરા, પ્લાસ્ટિક સર્જન ડો. કુમાર મહેતા, જનરલ સર્જન ડો. પાર્થ પ્રજાપતિ, એનેસ્થેટિસ્ટ ડો. જીગ્નેશ મોડાસરિયા અને ડો.બીરજુ શાહે ૧૬ જુલાઈએ ઓપરેશન પ્લાન કર્યું હતું અને આઠ કલાકની મહેનત બાદ ૨૦.૫ કિલો વજનની ગાંઠને પગથી દુર કરી હતી.
અને હવે ભરતભાઈને રજા આપવામાં આવી હતી અને હવે ફિઝિયોથેરાપી પછી તેઓ પોતાના પગ ઉપર પણ ચાલી શકે તે રીતે ઓપરેશન કરી ભરતભાઈને પીડામાંથી કાયમી મુક્તિ આપવામાં આવી હતી.