છત્તીસગઢમાં ૬૬ જેટલાં નક્સલીઓનું સમર્પણ, રૂ.૨.૨૭ કરોડનું ઈનામ હતું

રાયપુર, છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવી રહેલા નક્સલી ઓપરેશનની મજબૂત અસર હવે દેખાઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં નક્સલી એન્કાઉન્ટરમાં જે રીતે સફળતા મળી છે, તે રીતે લાલ આતંક હવે બેકફૂટ પર આવતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પુનર્વસન નીતિ અને ‘નેયદા નેલાનાર’ અભિયાનની પણ અસર પણ દેખાઈ રહી છે.
આ દરમિયાન ગુરુવારે છત્તીસગઢના ૫ જિલ્લાઓના કુલ ૬૬ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં સુકમા (૫), નારાયણપુર (૮), દાંતેવાડા (૧૬), કાંકેર (૧૩) અને બીજાપુર (૨૫) સામેલ છે.
મોટાભાગના નક્સલીઓ પર ઈનામ હતું, જેની કુલ રકમ રૂ. ૨.૨૭ કરોડ છે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓને સરકાર દ્વારા રૂ. ૫૦-૫૦ હજારનું પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે. તમામ આત્મસમર્પણ કરનારા નક્સલીઓને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી પુનર્વસન યોજના હેઠળ સહાય આપવામાં આવશે. આમાં સુરક્ષા, રહેઠાણ, આજીવિકા અને સામાજિક પુનર્વસનનો સમાવેશ થાય છે.
નારાયણપુરમાં મુકેશ સાથે આત્મસમર્પણ કરનારા કુલ ૮ સક્રિય માઓવાદીઓમાં ચાર મહિલા નક્સલીઓ પણ શામેલ છે. બધા નક્સલીઓ પર કુલ રૂ. ૩૩ લાખનું ઇનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલી મુકેશે કહ્યું કે હવે માઓવાદી સંગઠન અંદરથી તૂટી રહ્યું છે.SS1MS