દારૂ પીવા પૈસા ન આપનારની હત્યા કરનાર બે ભાઇઓને આજીવન કેદ

રાજપીપળા, નર્મદા જિલ્લાની મુખ્ય સેશન કોર્ટમાં આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. જેમાં દારૂ પીવા ૧૦૦ ન આપતાં જીવલેણ હુમલામાં એક વ્યક્તિનું મોત થતાં બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
કેસની વિગતો મુજબ, ૨૭ જૂન, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ઃ૪૫ વાગ્યાની આસપાસ પ્રિતેશ અને અંકિત લક્ષ્મણ પારસિંગ વસાવાના ઘરે ગયા હતા. ત્યાં તેમણે પારસિંગ ટેડીયા વસાવા પાસે દારૂ પીવા માટે ¹ ૧૦૦ માંગ્યા હતા. પારસિંગે પૈસા આપવાની ના પાડતા અંકિત નરપત વસાવા અને પ્રિતેશ નવલ વસાવાએ ભેગા મળી ઘરમાં પડેલા લાકડાના બેટ વડે પારસિંગ વસાવાને ગંભીર રીતે માર માર્યાે હતો.
આ હુમલામાં પારસિંગને જીવલેણ ઇજાઓ થઇ હતી. જ્યારે લક્ષ્મણ વસાવા (પારસિંગ વસાવાના પુત્ર) પોતાના પિતાને બચાવવા માટે વચ્ચે પડતા બંને ભાઈઓએ તેને પણ બેટ વડે માર માર્યાે હતો અને ગંભીર રીતે ઘાયલ કર્યાે હતો.
ડેડીયાપાડા સરકારી દવાખાનામાં સારવાર દરમિયાન લક્ષ્મણ વસાવાનું મોત થયું હતું. આ ઘટનાને લઈને ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસ રાજપીપળાની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ આર.ટી. પંચાલની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ.જે. ગોહિલ દ્વારા ફરિયાદી પક્ષે મજબૂત દલીલો, દસ્તાવેજી પુરાવાઓ અને રજુઆતો રજૂ કરતાં કોર્ટએ આરોપી બંને ભાઈઓને હત્યા અને હુમલાના ગુનામાં આજીવન કેદની સાથે ૧૦,૦૦૦ અને ૫,૦૦૦ દંડની પણ સજા ફટકારવામાં આવી છે.SS1MS