કડી પંથકમાં છાત્રા સાથે જાતીય અડપલાં કરનાર આચાર્યને આજીવન કેદની સજા

મહેસાણા, કડી તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધો. ૩ની છાત્રા સાથે દોઢ વર્ષ અગાઉ જાતિય અડપલાં કરનાર તત્કાલીન આચાર્ય સામે પોક્સો હેઠળ ગુનો પુરવાર થતાં મહેસાણાની વિશેષ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા અને દંડની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.
અદાલતે આરોપીને આજીવન સજાની સાથે ભોગ બનનાર છાત્રાને વળતર પેટે રૂ. ૫૦ હજાર ચૂકવવા તેમજ રૂ. ૨૧ હજારનો દંડ ભરવા આદેશ કર્યાે છે.
કેસની વધુ વિગત કડી તાલુકાના એક ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૩માં પર્યાવરણનો વિષય ભણાવતા ૫૪ વર્ષિય અરવિંદ ગોવિંદભાઈ પટેલ (મધુવન સોસાયટી, કડી) આચાર્ય તરીકે સેવા પણ આપતા હતા.
ગત ૨૨મી સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ ચાલુ શાળાએ આ લંપટ આચાર્યએ ધોરણ ૩માં અભ્યાસ કરતી છાત્રાને ચોપડી વાંચવાના બહાને બોલાવી હતી. ત્યારબાદ છાત્રાને ખોળામાં બેસાડી જાતિય અડપલા કરતાં બાળકીએ વિરોધ કરતાં તેણીને મારવાની ધમકી આપી હતી.ત્યારબાદ રીશેષમાં છાત્રા રડતાં-રડતાં ઘરે ગઈ હતી અને માતાને વાત કરતાં પરિવારજનોએ શાળાએ જઈ આચાર્યને ઠપકો આપ્યો હતો.
આચાર્યની જાતિય સતામણીથી છાત્રાને ગુપ્તાંગના ભાગે અસહ્ય દુઃખાવો થતાં તેણીને વધુ સારવાર અર્થે મહેસાણાના સરકારી દવાખાને લવાઈ હતી. આ અંગે છાત્રાની માતાએ બીજા દિવસે કડી પોલાસ મથકે લંપટ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આચાર્ય અરવિંદ પટેલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ઉપરોક્ત કેસ મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજય બારોટની દલીલ અને રજૂ કરેલા પુરાવાને ધ્યાનમાં લઈ પોક્સો કોર્ટના ખાસ જજ સારંગ એસ. કાલેએ ૨૪મી જુલાઈના રોજ ચુકાદો આપ્યો હતો.
જેમાં આરોપી આચાર્યને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી ભોગ બનનાર છાત્રાને રૂ. ૫૦ હજાર વળતર આપવા તેમજ રૂ. ૨૧ હજારનો દંડ ભરવા આદેશ કર્યાે હતો.SS1MS