Western Times News

Gujarati News

ઇજા છતાં રિશભ પંતે અડધી સદી ફટકારી, ઇંગ્લેન્ડનો મજબૂત પ્રારંભ

માન્ચેસ્ટર, ઓપનર ઝેક ક્રોલે અને બેન ડકેટે વિશાળ ભાગીદારી નોંધાવતાં ઇંગ્લેન્ડે અહીં રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટમાં ગુરુવારે ભારત સામે જોરદાર પ્રહાર કરીને મજબૂત પ્રારંભ કર્યાે હતો. ભારતના ૩૫૮ રનના સ્કોર સામે રમતાં ઇંગ્લેન્ડે ગુરુવારની દિવસની રમતના અંત સુધીમાં તેના પ્રથમ દાવમાં બે વિકેટે ૨૨૫ રન કરી લીધા હતા. આમ તે હાલમાં ભારત કરતાં ૧૩૩ રન પાછળ છે અને તેની આઠ વિકેટ જમા છે.

અહીંના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાતી મેચના બીજા દિવસે ભારતે તેનો દાવ ચાર વિકેટે ૨૬૪ રનથી આગળ ધપાવ્યો હતો અને ૩૫૮ રન સુધીમાં તેના તમામ બેટર આઉટ થઈ ગયા હતા.

જોકે ઇજાગ્રસ્ત રિશભ પંત આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. તે ઘાયલ હોવા છતાં બેટિંગ કરવા આવ્યો હતો અને અડધી સદી ફટકારી હતી.

ભારતના ૩૫૮ રનના સ્કોર સામે રમતાં ઇંગ્લેન્ડ માટે ઝેક ક્રોલે અને બેન ડકેટે પહેલી વિકેટ માટે ૧૬૬ રનની ભાગીદારી માત્ર ૩૨ ઓવરમાં નોંધાવી હતી.

ક્રોલે ૧૧૩ બોલમાં ૮૪ રન ફટકારીને આઉટ થયો હતો. ટીમનો સ્કોર ૧૯૭ હતો ત્યારે બેન ડકેટ નવોદિત બોલર અંશુલ કમ્બોજના બોલે વિકેટ પાછળ ઝડપાઈ ગયો હતો. તે છ રન માટે સદી ચૂકી ગયો હતો. ડકેટે ૧૦૦ બોલમાં ૧૩ ચોગ્ગા સાથે ૯૪ રન ફટકાર્યા હતા. બીજા દિવસની રમતને અંતે જો રૂટ ૧૧ તથા ઓલિ પોપ ૨૦ રન સાથે રમતમાં હતા.

અગાઉ ભારતે ચાર વિકેટે ૨૬૪ રનના સ્કોરથી તેનો પ્રથમ દાવ આગળ ધપાવ્યા બાદ રવીન્દ્ર જાડેજા તો તરત જ આઉટ થઈ ગયો હતો પરંતુ જેની સિરીઝમાંથી બહાર થઈ જવાની અટકળ હતી તે રિશભ પંત ઇજા છતાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે શાનદાર અડધી સદી ફટકારીને ભારતનો સ્કોર ૩૫૮ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.જોકે ભારતે ગુરુવારે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.

પ્રથમ દિવસને અંતે રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર ૧૯-૧૯ રનના સ્કોરે રમી રહ્યા હતા. જાડેજા તેના સ્કોરમાં માત્ર એક રન ઉમેરીને આઉટ થયો હતો તો ઠાકુરે ઇનિંગ્સ આગળ ધપાવીને ભારતને ૩૦૦નો આંક સુધી પહોંચવામાં મદદ કરી હતી.

શાર્દુલ ઠાકુરે ૮૮ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૪૧ રન ફટકાર્યા હતા. ટીમનો સ્કોર ૩૧૪ હતો ત્યારે તે આઉટ થયો હતો. ત્યાર બાદ બુધવારે ૨૧૨ રનના કુલ સ્કોરે ૩૭ રનના અંગત સ્કોરે નિવૃત્ત થયેલા રિશભ પંતે બાજી સંભાળી હતી. તેણે ૭૫ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સાથે ૫૪ રન ફટકાર્યા હતા. વર્તમાન સિરીઝમાં દરેક મેચમાં અડધી સદી ફટકારવાની પરંપરા તેણે જાળવી રાખી હતી.

અગાઉ તે લીડ્‌ઝમાં બે સદી, એજબસ્ટન ખાતે ૬૫ અને લોડ્‌ર્ઝ ખાતે ૭૪ રન ફટકારી ચૂક્યો હતો. આ સિરીઝમાં તે ૪૭૯ રન ફટકારી ચૂક્યો છે.ઇંગ્લેન્ડ માટે કેપ્ટન બેન સ્ટોક્સે ૭૨ રનમાં પાંચ વિકેટ લીધી હતી. આ સાથે માન્ચેસ્ટરમાં પાંચ વિકેટ લેનારો તે ઇંગ્લેન્ડનો પ્રથમ કેપ્ટન બન્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.