બીસીસીઆઈ સપ્ટેમ્બરમાં યુએઈમાં એશિયા કપનું આયોજન કરશે

ઢાકા, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) આગામી સપ્ટેમ્બરમાં એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં કરે તેવી પૂરી સંભાવના છે. આ અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાય તેવી શક્યતા છે.
તેમ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું.આગામી એશિયા કપના યજમાન સ્થળ અંગે નિર્ણય લેવા માટે એસીસીના તમામ ૨૫ સદસ્યની એક બેઠક તાજેતરમાં યોજાઈ હતી તેમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બીસીસીઆઈના પ્રતિનિધિ તરીકે આ બેઠકમાં બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ ઓનલાઇન હાજરી આપી હતી.આ અંગે સુત્રોએ નામ જાહેર નહીં કરવાની શરતે માહિતી આપી હતી કે બીસીસીઆઈ આ વખતની એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજી રહ્યું છે. જોકે તેના કાર્યક્રમ અંગે તેઓ હજી પણ ચર્ચા કરી રહ્યા છે.
સપ્ટેમ્બરમાં એશિયા કપ લગભગ એક પખવાડિયા સુધી યોજાશે. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ અગાઉ તેની ફાઇનલ મેચ રમાશે કેમ કે આ તબક્કેથી ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમનારી છે.
આમ આ સિરીઝ શરૂ થાય તે અગાઉ એશિયા કપની ફાઇનલ રમાઈ જાય તે જરૂરી છે.બોર્ડના સેક્રેટરી દેવજિત સાઇકિયાએ જણાવ્યું હતું કે અમારા વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ એસીસીની બેઠકમાં હાજરી આપી હતી. તેઓ આ અંગે બોર્ડના સદસ્યોની માહિતગાર કરશે. હું અટકળોમાં માનતો નથી તેથી તમે આ અંગે થોડા દિવસોમાં સત્તાવાર રીતે માહિતી પ્રાપ્ત કરશો.
ઢાકામાં યોજાયેલી બેઠકમાં એસીસીના ચેરમેન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વડા મોહસિન નકવીએ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા અંગે મૌન સેવ્યું હતું અને કોઈ સ્પષ્ટતા કરી ન હતી.નકવીએ આ અંગે જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું. આ મામલે અમારે બીસીસીઆઈ સાતે મંત્રણા થઈ છે અને કેટલાક મુદ્દા છે જેનો અમે ટૂંક સમયમાં ઉકેલ લાવીશું.
આ બેઠકમાં તમામ ૨૫ સદસ્યોએ કાં તો રૂબરૂ અથવા તો ઓનલાઇન હાજરી આપી હતી. અમે તમામ આ મુદ્દે એકમત છીએ.એમ મનાય છે કે બીસીસીઆઈના દબાણને કારણે બેઠકમાં એજન્ડામાં રહેલા દસ મુદ્દામાંથી માત્ર બે મુદ્દે જ ચર્ચા થઈ હતી.SS1MS