બીજી ટી૨૦માં વિન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય

કિંગ્સ્ટન, જોશ ઇંગ્લિસ અને કેમરૂન ગ્રીનની શાનદાર અડધી સદીની મદદથી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ મંગળવારે રાત્રે (ભારતમાં બુધવારે સવારે) રમાયેલી બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે આઠ વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યાે હતો.
આ સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની સિરીઝમાં ૨-૦ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. અહીંના સબિના પાર્ક ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડિઝે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૨ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૧૫.૨ ઓવરમાં બે વિકેટે ૧૭૩ રન કરીને મેચ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયા માટે જોશ ઇંગ્લિસે ૩૩ બોલમાં સાત ચોગ્ગા અને પાંચ સિક્સર સહિત અણનમ ૭૮ રન ફટકાર્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો તો કેમરૂન ગ્રીને પણ એવી જ ઉમદા બેટિંગ કરીને ૩૨ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સરનો સમાવેશ થતો હતો. અગાઉ બ્રેન્ડન કિંગે કેરેબિયન ટીમ માટે સારી શરૂઆત કરી હતી.
પરંતુ તેને અન્યનો સહકાર સાંપડ્યો ન હતો. તેણે ૩૬ બોલમાં ચાર સિક્સર સાથે ૫૧ રન ફટકાર્યા હતા. અંતિમ ટી૨૦ મેચ રમી રહેલા આન્દ્રે રસેલે ૧૫ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા જેમાં પણ ચાર સિક્સરનો સમાવેશ થતો હતો. ગુડાકેશ મોતીએ માત્ર નવ બોલમાં બે સિક્સર સાથે ૧૮ રન ફટકાર્યા હતા.SS1MS