સિંગાપોરમાં ભારતીય નાગરિકે એરપોર્ટ પરથી ૩.૫ લાખનો સામાન તફડાવ્યો

સિંગાપોર, ંસિંગાપોરથી ભારતની ફ્લાઈટ પકડતાં પહેલાં એક ભારતીય નાગરિક સિંગાપોર એરપોર્ટની ૧૪ દુકાનોમાં શોપિંગ કરવા ગયો હતો. ગણતરીની મિનિટોમાં એ દુકાનોમાં ફર્યાે હતો, પરંતુ તેણે લાખો રૂપિયાનો સામાન તફડાવી લીધો હતો. નાટયાત્મક ઘટનામાં એ આરોપી ચોરી કરીને ભાગી છૂટયો હતો, પરંતુ સીસીટીવીમાં તપાસ કર્યા બાદ એ ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો.
ફ્લાઈટની રાહ જોતી વખતે સિંગાપોર એરપોર્ટની લોંજમાં મુસાફરો શોપિંગ કરતા હોય છે. ૩૮ વર્ષનો એક ભારતીય નાગરિક પણ એરપોર્ટ લોંજની દુકાનોમાં શોપિંગ માટે પહોંચ્યો હતો. એ એક-બે નહીં, ૧૪ દુકાનોમાં ગયો અને એકેય વસ્તુ લીધા વગર બહાર નીકળ્યો. મિનિટોમાં તેણે ૧૪ દુકાનોની મુલાકાત કરી અને સિફ્તપૂર્વક એ દુકાનોમાંથી ૩.૫ લાખ રૂપિયાનો સામાન તફડાવી લીધો.
દુકાનદારોને આ ચોરીની જાણ સુદ્ધાં ન થઈ ને તેણે ઠંડા કલેજે સામાન તફડાવ્યા બાદ ફ્લાઈટ પણ પકડી લીધી હતી. ચોરીના સામાન સાથે એ ભારત આવી ગયો હતો.એક દુકાનદારને એની દુકાનમાં બેગ ઓછું જણાતા તેણે તપાસ કરી.
સીસીટીવી ચેક કરતાં જણાયું કે આ માણસે મિનિટોમાં ૧૪ દુકાનોને નિશાન બનાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે તેની ઓળખ કરી હતી અને તેને રડારમાં રાખ્યો હતો. ફરીથી આરોપી સિંગાપોર ગયો કે તરત એરપોર્ટ પરથી જ પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસને તેની પાસેથી બિલ વગરની ચીજવસ્તુઓ મળી આવી હતી એના પરથી એવોય અંદાજ છે કે તેણે અન્ય કોઈ એરપોર્ટ પરથી પણ સિંગાપોરની ફ્લાઈટ પકડતા પહેલાં હાથ સાફ કર્યાે હતો.
પોલીસના કહેવા પ્રમાણે તેણે ૨૯મી મેના રોજ સાંજે સામાન ચોર્યાે હતો. ૧લી જૂને તેની ધરપકડ થઈ હતી. આગામી દિવસોમાં તેને કોર્ટમાં રજૂ કરાશે અને ચોરીના આરોપમાં તેને સજા થશે. જો આરોપ સાબિત થશે તો તેને સાત વર્ષની જેલની સજા કે પછી દંડ અથવા તો બંને થઈ શકે છે.SS1MS