આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ માટેના મોબાઈલ મેડિકલ વાનોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન

સ્વાતંત્ર્ય સેનાની આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી વર્ષ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત શાખા અને આરઈસી (REC) ફાઉન્ડેશન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે નવી પહેલ
આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે આરોગ્ય સેવા પહોંચાડવાનું સપનું સાકાર થશે -ડોક્ટર, નર્સ, ફાર્માસીસ્ટ તથા ડ્રાઈવર સહિતની તાલીમ પામેલ ટીમ ધરાવતી મોબાઈલ મેડિકલ વાન મેડિકલ ચેક-અપ, વિનામૂલ્યે દવા તથા સારવાર આપશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ પ્રભુત્વ અને અંતરિયાળ ગામો-જિલ્લાઓ પૈકી ડાંગ, દાહોદ, સાબરકાંઠા તથા અરવલ્લી માટે આરઈસી (REC) ફાઉન્ડેશન, દિલ્હીના સહયોગથી તૈયાર થયેલ મોબાઇલ મેડીકલ યુનિટના અમદાવાદથી લોકાર્પણ કર્યા હતા.
સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદિજાતિ વિસ્તારના દરેક ઘર સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રેડ ક્રોસનાં ચેરમેનશ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં તથા REC Foundation, Delhiના સહયોગથી શરૂ કરવામાં આવેલ મોબાઈલ મેડીકલ વાન પૈકી એક વાન મારફત દરરોજનાં 100 કરતાં વધારે દર્દીઓને આવરી લેવાનું આયોજન છે. આમ એક માસમાં 10,000થી વધારે જરૂરીયાતમંદ આદિજાતી લોકોને આરોગ્ય સેવાઓ તેમના ઘર આંગણે ઉપલબ્ધ થઇ રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
GPRS સુવિધાથી સજ્જ આ મોબાઇલ મેડીકલ વાનમાં ડોક્ટર, નર્સ, ફાર્માસીસ્ટ તથા ડ્રાઇવર સહિતની તાલીમ પામેલ ટીમ ઉપલબ્ધ હશે અને દરેક ફળિયા તથા મહોલ્લામાં બીમાર અને જરૂરિયાતમંદ લોકોનું મેડીકલ ચેક-અપ કરીને વિનામૂલ્યે દવા તથા સારવાર આપવાનું કાર્ય પણ કરશે.
મુખ્યમંત્રીશ્રીએ આ મોબાઈલ મેડિકલ વાનને આદિજાતી વિસ્તારોમાં આરોગ્ય સેવા માટે પ્રસ્થાન કરાવ્યું તે અવસરે ગુજરાત રેડ ક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને પદાધિકારીઓ તથા સેવા કર્મિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોબાઈલ મેડિકલ વાન મારફતે આદિજાતી વિસ્તારોમાં આરોગ્ય સંભાળ માટે જરૂરી માર્ગદર્શન તથા સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, થેલેસેમીયા – સિકલસેલ જેવી વિવિધ બીમારીઓ અટકાવવા માટે જનજાગૃતીની કામગીરી પણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાનાં ચેરમેન શ્રી અજયભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય શાખા સમાજ કલ્યાણ અને જન સમુદાયના ઉત્થાન માટે અનેક આરોગ્યલક્ષી તથા માનવતાવાદી કાર્યક્રમો ચલાવી રહી છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોનાં દુ:ખો મહદઅંશે દૂર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંની એક છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રીય રાજ્ય શાખાઓમાંની એક છે.