ભૂતકાળમાં જાતિ આધારિત વસતિ ગણતરી ના કરાવી તે મારી ભૂલઃ રાહુલ

નવી દિલ્હી, ભૂતકાળમાં જાતિ આધારિત વસતિ ગણતરી ના કરાવી શક્યા તે મારી ભૂલ છે, પક્ષની નહીં તેમ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. મારી ૨૧ વર્ષની રાજકીય કારકિર્દીમાં મેં અન્ય પછાત વર્ગાે (ઓબીસી)ના હિતોનું રક્ષણ કરવા માટે પૂરતાં પ્રયાસો ના કર્યા તે મારી ભૂલ હતી, જોકે હવે તેઓ આ ભૂલ સુધારી રહ્યાં છે તેમ લોકસભામાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું.
અહીંના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘ભાગીદારી ન્યાય સંમેલન’ને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે, તેલંગાણાની જાતિ આધારિત વસતિ ગણતરી એ મોટો રાજકીય ભૂકંપ છે, જેના કારણે દેશમાં ઘણાં આફ્ટરશોક્સ અનુભવાશે.હું ૨૦૦૪થી રાજકારણમાં છું, મારા ભૂતકાળની કામગીરીનું વિશ્લેષણ કરતાં મને લાગ્યું કે, જમીન સંપાદન બિલ, મનરેગા, ફૂડ બિલ, આદિવાસીઓ માટેની લડત જેવા મુદ્દાઓમાં મે યોગ્ય કામગીરી કરી છે.
દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અને લઘુમતિઓ માટે કરેલાં કામો માટે પણ મને સારા માર્ક્સ મળવા જોઈએ. જોકે આ સમીક્ષા દરમિયાન મને ખ્યાલ આવ્યો કે, મેં એક ભૂલ કરી છે; મેં ઓબીસીના રક્ષણ માટે પૂરતા પ્રયાસો નથી કર્યાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા શાબ્દિક પ્રહારો કરતાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેઓ ઘણી વખત વડાપ્રધાનને મળ્યાં છે. તેઓ માત્ર દેખાડો કરે છે, તેમનામાં કોઈ દમ નથી. વડાપ્રધાનનો ફૂગ્ગો મીડિયાએ ફુલાવ્યો છે.
ભાગીદારી ન્યાય સંમેલનને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે, રાજકારણની સૌથી મોટી સમસ્યા નરેન્દ્ર મોદી નથી. હું તમને જણાવું છું કે, તમે એમને માથે ચઢાવ્યાં છે, તે કોઈ સમસ્યા નથી. આ મીડિયાવાળાઓએ તેમનો ફુગ્ગો ફૂલાવ્યો છે.SS1MS