પેટલાદના ચાંગા ગામમાં વધુ ૩ સાથે કમળાના દર્દીઓની સંખ્યા ૨૪ પહોંચી

આણંદ, પેટલાદ તાલુકાના ચાંગા ગામને કમળાના રોગે ભરડો લીધો છે. ત્યારે આજે વધુ ૩ કેસ સાથે દર્દીઓની સંખ્યા ૨૪ સુધી પહોંચી છે. પીવાના પાણીની લાઈનમાં ૧૧ લિકેજ પૈકી હજૂ બે લિકેજ રિપેર કરવાના બાકી છે.
ત્યારે તંત્રની ઢીલી કામગીરીના કારણે કમળાનો રોગચાળો વધુ ફેલાઈ રહ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પેટલાદ તાલુકાનું ચાંગા ગામના વ્હોરવાડ, માતરીયુ ફળિયું, જનતા કોલોની જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ગતરોજ કમળાના ૨૧ કેસ મળી આવ્યા હતા. આજે ચાંગા ગામેથી કમળાના વધુ ૩ કેસ મળી આવ્યા છે. જેને લઈ તંત્ર હરકતમાં આવ્યું હતું.
ગુરૂવારે આરોગ્યની ૯ ટીમોમાં ૨ મેડિકલ ઓફિસર અને ૨૪ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા ૧૫૫૨ ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવા ઉપરાંત ૩૯ ઓઆરએસ પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે પણ ટીમ દ્વારા ૨૨૨૪ ક્લોરીન ટેબલેટ અને ૫૧ ઓઆરએસ પાવડરનું વિતરણ કરાયું હતું. ચાંગા ગામમાં પીવાના પાણીની પાઈપલાઈમાં મળેલા ૧૧ લીકેજ પૈકી ૭ લીકેજ ગતરોજ અને બે લીકેજ આજરોજ રિપેર કરાયા હતા. જો કે, હજુ બે લીકેજ રીપેર કરવાના બાકી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ચાંગા ગામે આવેલ મસ્જિદ ખાતે જુમ્માની નમાઝ બાદ કમળાના રોગચાળામાં સાવચેતીના પગલાં લેવા માટે સલાહ સૂચન આપવામાં આવ્યું હતું.SS1MS