Western Times News

Gujarati News

વ્યાજખોરોના ત્રાસથી એમ્બ્રોઇડરીના વેપારીએ આપઘાત કર્યાે

અમદાવાદ, ઓઢવમાં રહેતા અને એમ્બ્રોઇડરીના મશીન ખરીદીને ધંધો કરતા વેપારીને આર્થિક તંગી સર્જાતા સ્થાનિક લોકો પાસેથી મશીન ગિરવી મૂકીને વ્યાજે રૂપિયા લીધા હતા. વેપારીએ ૭થી ૮ લાખ રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો વેપારી પાસેથી ૩૦ ટકા બમણા અને ચક્રવૃદ્ધિ વ્યાજની વસૂલાત કરતા હતા.

વ્યાજખોરોની દાદાગીરીથી કંટાળીને વેપારી ગુરુવારની સવારે ઘરેથી નીકળ્યો અને કઠવાડા જીઆઈડીસીમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

મૃતક વેપારીના ખિસ્સામાંથી મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં લખેલા પાંચ લોકો સામે મૃતક હરિકૃષ્ણભાઈની પત્નીએ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે ભરત, સચિન, વિપુલ, દીપક અને મુન્ના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ગુરુવારે સવારે મહિલાનો પતિ હરેકૃષ્ણભાઈ પટેલ રાબેતા મુજબ ઘરેથી દુકાને જવા માટે સવારે નીકળ્યો હતો. બપોરે તેના દિયરનો પર ફોન આવ્યો કે ભાઈએ કઠવાડા જીઆઈડીસીમાં ઝેરી દવા પી લીધી છે. હું તેમણે હોસ્પિટલ લઈ જઈ રહ્યો છું.

આ સંભાળતા જ પત્ની હોસ્પિટલ દોડી આવી ત્યારે હરિકૃષ્ણ પટેલ બેભાન હાલતમાં હોસ્પિટલના બિછાને હતા. બપોરે હરિકૃષ્ણભાઈનું મોત નીપજ્યું હોવાની જાણ ડોક્ટરોએ કરતા પત્ની અને બે સંતાનોના માથે આભ તૂટી પડ્યા જેવી સ્થતિ ઉત્પન્ન થઇ હતી.

હરિકૃષ્ણભાઈના દીકરાએ તેમના ખિસ્સામાં તપાસ કરતા એક કાગળ મળી આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે “બેટા, બ્રિજેશ મને માફ કરજો હું વ્યાજખોરો ભરતભાઈ, સચિનભાઈ, વિપુલભાઈ આ લોકો મારી જોડે ૩૦ ટકા વ્યાજ લઈને મારા મશીન લખાવી લીધા છે એટલે હું આત્મહત્યા કરી રહ્યો છે.

તદુપરાંત વિપુલભાઈએ બે મશીન પર ૨ લાખ આપ્યા હતા અને તેમનો ભાગીદાર તે લોકો પણ વ્યાજ માગી રહ્યા છે. આ સહિત મુક્તીધામ એસ્ટેટ મુન્નાભાઈ શ્રીજી એન્ટરપ્રાઈઝવાળા રૂ. ૭થી ૮ લાખ વ્યાજ ભર્યું છે તેમ છતાં ૧૫ દિવસના ૧૦ ટકા વ્યાજ વસૂલતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.