ચોથી ટેસ્ટમાં જો રૂટની શાનદાર સદી, ઇંગ્લેન્ડને જંગી સરસાઈ

માન્ચેસ્ટર, જો રૂટની શાનદાર સદી અને કેપ્ટન બેન સ્ટોક્સની ધરખમ ઇનિંગ્સની મદદથી ઇંગ્લેન્ડે અહીં રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટમાં શુક્રવારે ભારત સામે મજબૂત પકડ હાંસલ કરી લીધી હતી. ભારતના ૩૫૮ રનના સ્કોર સામે રમતાં ઇંગ્લેન્ડે શુક્રવારે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં સાત વિકેટે ૫૪૪ રનનો સ્કોર રજૂ કરી દીધો હતો.
આમ ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ૧૮૬ રનની વિશાળ સરસાઈ ભોગવી રહી છે અને તેની ત્રણ વિકેટ જમા છે.અહીંના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાતી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતને અંતે બેન સ્ટોક્સ ૭૭ તથા લિયમ ડાઉસન ૨૧ રન સાથે રમતમાં હતા. આમ હાલના તબક્કે આ ટેસ્ટ જીતીને સિરીઝનો સ્કોર સરભર કરવાના ભારતના ઇરાદાઓ પર પાણી ફરી ગયેલું નજરે પડી રહ્યું છે.
ભારતના ૩૫૮ રનના સ્કોર સામે રમતાં ઇંગ્લેન્ડે શુક્રવારે સવારે બે વિકેટે ૨૨૫ રનના સ્કોરથી તેનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો ત્યારે બેટિંગ કરી રહેલા જો રૂટ અને ઓલિ પોપે ત્રીજી વિકેટ માટે ૧૪૪ રનની ભાગીદારી નોંધાવી હતી. ઓલિ પોપ ૭૧ રનના અંગત સ્કોરે સ્પિનર વોશિંગ્ટન સુંદરના બોલે રાહુલના હાથમાં ઝડપાઈ ગયો હતો. ૧૨૮ બોલની ઇનિંગ્સમાં પોપે સાત ચોગ્ગા ફટકાર્યા હતા.
પોપને આઉટ કર્યા બાદ વોશિંગ્ટન સુંદરે થોડી જ વારમાં હેરી બ્›કને પણ પેવેલિયન ભેગો કરી દેતાં એમ લાગતું હતું કે ભારત વળતી લડત આપી શકે તેવી સ્થિતિમાં છે અને ઇંગ્લેન્ડને વધારે સરસાઈ મળી શકશે નહીં.
પરંતુ, બેન સ્ટોક્સ અને જો રૂટે સ્કોર મજબૂતીથી આગળ ધપાવ્યો હતો. ચાર વિકેટે ૪૯૧ રનના સ્કોરે સ્ટોક્સ ઇજાને કારણે પેવેલિયનમાં પરત આવી ગયો અને તેની થોડી વારમાં જો રૂટ આઉટ થતાં ફરીથી આશા જાગી હતી. જો રૂટે ૨૪૮ બોલમાં ૧૪ ચોગ્ગા સાથે ૧૫૦ રન ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની ૩૮મી સદી હતી.
આમ તેણે શ્રીલંકાના કુમાર સંગાકરાની ૩૮ સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે માત્ર સચિન તેંડુલકર (૫૧), જેક્સ કાલિસ (૪૫) અને રિકી પોન્ટિંગ (૪૧) જ તેના કરતાં વધારે સદી ફટકારનારા બેટર રહી ગયા છે.
આ સાથે જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન ફટકારવામાં બીજો ક્રમાંક હાંસલ કરી લીધો છે. હવે માત્ર સચિન તેંડુલકર (૧૫૯૨૧) જ જો રૂટના ૧૩૪૦૯ રન કરતાં વધારે રન ધરાવે છે. રૂટની વિકેટ પડ્યા બાદ બેન સ્ટોક્સ ફરીથી મેદાનમાં આવ્યો હતો. આ દરમિયાન જેમી સ્મિથ અને ક્રિસ વોક્સની વિકેટ ગુમાવી હતી.
જે અનુક્રમે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝને મળી હતી. ઇંગ્લેન્ડ માટે આ ઇનિંગ્સમાં તેના મોખરાના ચાર બેટરે ૫૦+નો સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ ગુરુવારે ઓપનર ઝેક ક્રોલેએ ૮૪ અને બેન ડકેટે ૯૪ રન ફટકાર્યા હતા તો ત્રીજા ક્રમના ઓલિ પોપે ૭૧ અને રૂટે ૧૫૦ રન ફટકાર્યા હતા. ભારત માટે બંને સ્પિનર વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા બે બે વિકેટ સાથે સફળ બોલર રહ્યા હતા.SS1MS