Western Times News

Gujarati News

રિશભ પંતની નીડરતાની ક્રિકેટ વર્તુળમાં ભરપુર પ્રશંસા કરાઈ

માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટમાં ગુરુવારે ભારતના રિશભ પંતે પગમાં ઇજા થઈ હોવા છતાં ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. આ અંગે ક્રિકેટ વર્તુળમાં પંતની ભરપુર પ્રશંસા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રિશભ પંત ખરા અર્થમાં ટીમ-મેન છે.

તેણે માત્ર હિંમત જ દાખવી નથી પરંતુ પુરવાર કરી દીધું છે કે તે ટીમ માટે રમી રહ્યો છે.ડિસેમ્બર ૨૦૨૨માં રિશભ પંતનો એક કાર અક્સ્માત થયો હતો. ત્યાર બાદ તેણે ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું જેની ઘણા ઓછાને આશા હતી પરંતુ તેના કરતાં પણ વિશેષ કામગીરી તેણે ગુરુવારે બજાવી હતી. ઇંગ્લેન્ડ સામેની ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની ટેસ્ટમાં પ્રથમ દિવસે તે ઝડપી બોલર જોફરા આર્ચરની બોલિંગમાં ઘાયલ થયો હતો. તેના જમણા પગના અંગૂઠે ફ્રેક્ચર થયું હતું.

બીજે દિવસે સવારે એમ મનાતું હતું કે પંત આગળ નહીં રમી શકે અને ભારત પરત ફરી જશે પરંતુ તેને બદલે તે બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો હતો.

તે સમયે તેનો સ્કોર ૩૭ રન હતો પરંતુ આગળ બેટિંગ કરીને તેણે ૫૪ રનની ઇનિંગ્સ રમી હતી.રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે જો કોઈને શંકા હોય કે પંત ટીમ-મેન નથી તો તેમણે આજે મેદાન પર તેનો જીવતો જાગતો પુરાવો જોઇ લેવો જોઇએ.તેના માટે ક્રિઝ પર પર આવવું અને આ પ્રકારની ખાસ ઇનિંગ્સ રમવી તે અસામાન્ય બાબત હતી.

આમ કરીને તેણે અન્ય ઘણાને ખૂબ જ પ્રેરિત કર્યા છે. પંત મેદાન પર આવ્યો ત્યારે ઇંગ્લેન્ડની ટીમે તેને વધાવી લીધો હતો અને પ્રેક્ષકો પણ તેની સાથે હતા.

આ ઘણી મોટી વાત છે. કદાચ તમે જીવનમાં આ પ્રકારની ક્ષણ કે તક માટે જ જીવતા હો છો તેમ રવિ શાસ્ત્રીએ ઉમેર્યું હતું. ચોથી ટેસ્ટના પ્રારંભ અગાઉ પંત રમી શકશે કે કેમ તે અંગે શંકા હતી કેમ કે લોડ્‌ર્ઝ ટેસ્ટમાં તેની આંગળીએ ફ્રેક્ચર થયું હતું અને મોટા ભાગના સમયે જુરેલે કીપિંગ કર્યું હતું. આમ છતાં તે માન્ચેસ્ટરમાં રમ્યો હતો અને અડધી સદી ફટકારી હતી.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે ભારતને અત્યારે પંત જેવા નીડર ખેલાડીની જરૂર છે જે કપરા સમયમાં પણ રમી શકે. આટલી ઇજા છતાં તેણે દર્શાવ્યું છે કે તે કેટલો મક્કમ અને મજબૂત છે. ઘાયલ થયા બાદ બેટિંગમાં પરત આવવું આસાન હોતું નથી પરંતુ દેશ માટે રમવાની ઇચ્છાશક્તિને કારણે જ પંત આમ કરી શક્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.